Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratમોરબીના માસૂમ બાળકો માટે જીવાદોરી બનવા અદાણી ફાઉન્ડેશનનો પ્રયાસ

મોરબીના માસૂમ બાળકો માટે જીવાદોરી બનવા અદાણી ફાઉન્ડેશનનો પ્રયાસ

ગાંધીનગર, ૧૦ નવેમ્બર, ૨૦૨૨: મોરબીના ઝૂલતા પુલની કમનસીબ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા એક બાળક સહિત ૨૦ ભૂલકાઓ કે જેમણે માતા-પિતા કે કોઇ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરુપમાં રુ.પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકો આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને ૧૨ બાળકો એવા છે કે જેમણે મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટીતંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કૂખમાં ઉછરી રહેલ બાળક માટે પણ રુ.૨૫ લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહ્યું છે.

મોરબીની મચ્છુ નદી ઉપર ૧૮૮૦માં બાંધવામાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત્ ૩૦ ઓકટોબરની સાંજે ધરાશાયી થયો હતો. એમાં ઓછામાં ઓછા ૧૩૫ લોકોએ તેમની મહામૂલી જિંદગી ગુમાવી છે અને ૧૮૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું છે કે, “અમે મહામૂલી જિંદગીનો ભોગ લેનાર આ કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદનાની વહેંચણી કરીએ છીએ. સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોનાં વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે.”

અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી ૨૦ બાળકો માટે ચોક્કસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંતભાઇ ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular