Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યનું મોઢેરા બનશે દેશનું સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

રાજ્યનું મોઢેરા બનશે દેશનું સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

ગાંધીનગરઃ રાજ્યમાં સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવ ઓક્ટોબરે મોઢેરાને દેશનું સૌપ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.

મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડા પ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એક વાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50 ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

પ્રોજેક્ટ વિશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્ય મંદિરથી લગભગ છ કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરામાં ‘મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન’ શરૂ કર્યું હતું. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી હતી. 1 KW ની 1300થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસમાં પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

સૂર્યમંદિરનું સોલરાઇઝેશન

સૂર્યમંદિરમાં હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે સાતથી 7.30 કલાક સુધી ઓપરેટ કરવામાં આવશે.

ગ્રામજનોનાં બિલ ઝીરો થયાં

સૌર ઊર્જાના ઉપયોગથી નાગરિકોમાં સમૃદ્ધિ વધી છે. પહેલાં બિલ રૂ. એક હજારથી વધારે આવતું હતું, એ હવે ઝીરો થઈ ગયું છે. બધા ઘરની ઉપર કોઈ પણ જાતના ખર્ચા વિના સોલાર પેનલ લગાવવામાં આવી છે. અમારી વીજળી જમા થાય તો અમને વધારાના પૈસા પણ આપવામા આવે છે, એમ મોઢેરાના સરપંચ  જતનબહેન ઠાકોરે જણાવ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular