Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujarat‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું રાજ્યપાલ દેવવ્રતને હસ્તે લોકાર્પણ

‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું રાજ્યપાલ દેવવ્રતને હસ્તે લોકાર્પણ

ગાંધીનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ પુસ્તકનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હસ્તે રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ-વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત પબ્લિકેશન દ્વારા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઈના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઈ વિશે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.

પરિમલ નથવાણીએ ઘણા લાંબા સમય સુધી કંપનીના સ્થાપક-ચેરમેન ધીરુભાઈ અંબાણી સાથે કામ કર્યું હતું. તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેક્નોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.

આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આ પુસ્તકના લેખકે જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણી સાથેનો મારો નાતો જગજાહેર છે. ફલતઃ આ પુસ્તકની વિગતોમાં મારા આદર્શ પુરુષ ધીરુભાઈ અંબાણીની મારા મન પર પડેલી અસર, મારાં અવલોકનો અને મને થયેલી વિવિધ અનુભૂતિ વગેરે પ્રતિબિંબિત થઈ છે અને તે સ્વાભાવિક પણ છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે. અંબાણી પરિવાર તેમ જ રિલાયન્સ ઉદ્યોગ ગૃહની ઝીણી-ઝીણી કેટલીય ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઈ સમાવી ન શક્યું હોત.આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ, મંત્રી મુળૂભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદો પૂનમબહેન માડમ, રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શૈલેશ મહેતા, વિવિધ ઉદ્યોગ ગૃહોના વડાઓ, રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ અને અખબારી જગતના મહાનુભાવો સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular