Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratસ્થાનિક ચૂંટણીઓ પછી જંત્રીના દરો વધવાની ધારણા

સ્થાનિક ચૂંટણીઓ પછી જંત્રીના દરો વધવાની ધારણા

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ- જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થયા બાદ જંત્રીના દરોમાં વધારો કરશે, તેવા સંકેતો સરકારનાં સૂત્રોએ આપ્યાં હતાં. સુપ્રીમ કોર્ટની દખલગીરી પછી એને રિવિઝન કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

સ્થાનિક ચૂંટણી પૂરી થયા પછી માર્ચ-એપ્રિલમાં જંત્રીના દરોમાં સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. છેલ્લે ૨૦૧૧માં ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એમ સૂત્રોએ કહ્યું હતું. ૨૦૧૮ના માર્ચમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લાંબા સમય સુધી જંત્રીના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે સરકારની તિજોરી પર ગંભીર ફટકા પડી રહ્યા છે અને સરકારને મોટી ખોટ જઈ રહી છે.

વળી, પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC) દ્વારા પણ રાજ્ય સરકારને જંત્રીના દરોમાં ફેરફાર કરવાની ભલામણ કરવામા આવી હતી. જમીનના ભાવોનું વાજબીકરણ અને સરણીકરણ કરવાની તેમના રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ બાબતમાં દરમિયાનગીરી કરી છે ત્યારે સરકાર હવે ચૂંટણી બાદ આ કામ કરવા માટે તૈયાર થઈ છે.

રાજ્ય સરકારના રેવન્યુ ખાતા દ્વારા પણ રાજ્ય સરકારને વારંવાર એવી ભલામણો કરવામાં આવી છે કે, જંત્રીના દરોમાં સુધારા-વધારા કરવાની જરૂર છે પરંતુ એક યા બીજા કારણોસર અથવા રાજકીય કારણોસર આ નિર્ણય લઈ શકાયો ન હતો.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર કોરોનાને કારણે મંદી ચાલી રહી છે, ત્યારે સરકારે જંત્રીના દરમાં વધારો કરવાનું ટાળવું જોઈએ. એક અંદાજ અનુસાર તૈયાર પ્રોપર્ટીના જંત્રીના દર પ્રતિ સ્કવેર ફૂટ 300થી રૂ. 1000નો વધારો થાય એવી શક્યતા છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular