Friday, July 25, 2025
Google search engine
HomeNewsGujaratસુરતથી જળસંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ થયો

સુરતથી જળસંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ થયો

સુરત: આજે ઈન્ડોર સ્ટેડિયમથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી છે. આ સાથે PMએ કહ્યું હતું કે, દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે.  સુરત શહેરના અઠવાલાન્સ વિસ્તારમાં આવેલા પાલિકાના ઈન્ડોર સ્ટેડિયમમાં આજે જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજીત જળસંચય જનભાગીદારી યોજના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમાં 24 મીનીટના ભાષણમાં તેઓએ સમગ્ર અભિયાન અંગેની માહિતી આપી હતી.

PM મોદીએ ભુતકાળ વાગોળતા તેઓએ કહ્યું હતું કે ,“સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ પાણીની સમસ્યા દુર થઈ છે. સરદાર સરોવર ડેમ અને સૌની યોજના તથા નર્મદાના પાણી આજે રાજ્યના છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યા છે. આ માત્ર નીતિનો જ નહીં પરંતુ સામાજિક નિષ્ઠાનો વિષય પણ છે અને તેની મુખ્ય તાકાત જનભાગીદારી છે. આપણા દેશમાં જળને ઈશ્વરનું રૂપ કહેવામાં આવે છે અને એટલે જ નદીઓને દેવી અને સરોવરોને દેવાલયનું સ્થાન મળ્યું છે. નદીઓ સાથેના આપણા સંબંધો હજારો વર્ષોથી ચાલી આવ્યા છે. પાણીની સમસ્યા અંગે આપણા પૂર્વજો પણ સચેત હતા અને એટલે જ તેઓને પણ જળ સંરક્ષણનું મહત્વ પણ ખબર હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેચ ધ રેઈન કેમ્પેઈન 2021 માં શરૂ કરવામાં આવેલ આ યોજનામાં હવે શહેરો અને ગામડાઓ પણ જોડાઈ રહ્યા છે અને દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. નલ સે જલ યોજનાના કારણે અગાઉ દેશમાં માત્ર ત્રણ કરોડ ઘરોમાં જ પીવાનું પાણી નળ થકી પહોંચતું હતું. જો કે, નલ સે જલ યોજના પગલે આજે દેશમાં 75 ટકા એટલે કે 15 કરોડ ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોંચી રહ્યું છે. જેને કારણે મહિલાઓ ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણી માટે થતી હાલાકી માંથી મુક્તિ મળી છે. તેઓએ લોકોને પણ સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ યોજના માત્ર પાણીના સંરક્ષણ માટે જ નહીં પરંતુ દેશના યુવાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. આ યોજના થકી દેશભરમાં લાખો નાગરિકોને રોજગાર મળ્યો છે. ખાસ કરીને યોજનામાં જોડાયેલા એન્જીનિયરો, પમ્બરોથી માંડીને અન્ય યુવાઓને પણ વિશેષ લાભ મળ્યો છે જ્યારે બીજી તરફ આ યોજનાને કારણે અસંખ્ય લોકોને રોજગારની સાથે-સાથે સ્વ-રોજગાર અવસર પણ મળ્યો છે.

આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સુજલામ સુફલામ યોજના પગલે જળ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને આજે વડોદરા દેશનો પહેલો જિલ્લો છે જ્યાં પ્રત્યેક સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, એક તબક્કે ગુજરાત રાજ્ય દુષ્કાળ સામે ઝઝમતું હતું. જો કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જળસંરક્ષણ પ્રત્યેની યોજનાઓને કારણે જ આજે રાજ્ય વોટર સિક્યોર સ્ટેટ બન્યું છે. જળસંચય જન ભાગીદારી યોજનાને સફળ બનાવવા માટે તેઓએ રાજ્યના ઔદ્યોગિક એકમો, મહાનગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતો સહિત સંસ્થાઓને પણ આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular