Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ 1000 પતંગબાજો ભાગ લેશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ 1000 પતંગબાજો ભાગ લેશે

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી સાતથી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નું ઉદઘાટન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાત જાન્યુઆરીએ સવારે કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં પણ સહભાગી થશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 આગામી સાતથી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.

રાજ્યમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઠ જાન્યુઆરીએ વડોદરા,  નવ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણીના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવમાં 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular