Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratલોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

ગાંધીનગર: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)નો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો, જે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ કોમ્પ્લેક્સ બનવા જઇ રહ્યું છે. આ આખો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

NMHCના 1A તબક્કાનું કામ 60% પૂર્ણ થઈ ચુક્યું છે. આ તબક્કામાં NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓ સમાવિષ્ટ કરવામાં આવશે. આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત કરવામાં આવશે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાચીન લોથલ ટાઉનશીપનું મોડેલ, એક ઓપન એક્વેટિક (જળચર) ગેલેરી અને જેટ્ટી વોકવેનો સમાવેશ કરવામાં આવશે. ₹1,238.05 કરોડના અંદાજિત ખર્ચ સાથે આ તબક્કા હેઠળનું કાર્ય વર્ષ 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે.

તબક્કા 1Bમાં, NMHC મ્યુઝિયમમાં વધુ આઠ ગેલેરીઓ તેમજ એક લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. લાઇટહાઉસ મ્યુઝિયમને વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ બનાવવાની યોજના છે. તેમાં એક બગીચા કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે, જેમાં લગભગ 1,500 વાહનો માટે પાર્કિંગ, એક ફૂડ હોલ અને મેડિકલ સેન્ટર હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમનો અંદાજિત ખર્ચ ₹266.11 કરોડ છે.

NMHCના બીજા તબક્કામાં, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિશેષ પેવેલિયન બનાવવામાં આવશે. તેમાં સમુદ્રની થીમ પર બનાવેલા ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ અને ‘મ્યુઝ્યોટેલ’ બનાવવામાં આવશે જે મ્યુઝિયમ અને હોટલને જોડશે. જેમાં મુલાકાતીઓ લોથલના પ્રાચીન શહેરની ઝલક મેળવી શકશે. ચાર થીમ પાર્ક સાથે એક મેરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલ બનાવવામાં આવશે. ચાર થીમ પાર્કમાં મેરીટાઇમ એન્ડ નેવલ, ક્લાઈમેટ ચેન્જ, મોન્યુમેન્ટ્સ અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે. આ તમામ થીમ પાર્ક લોકોને દરિયાઈ વારસા વિશે વધુ માહિતગાર કરશે. કેબિનેટે એક વ્યૂહાત્મક યોજના બનાવીને NMHC પ્રોજેક્ટના આગામી તબક્કાઓની કામગીરીને પ્રાથમિક મંજૂરી આપી છે. NMHCના વિકાસથી 15 હજાર પ્રત્યક્ષ અને 7 હજાર પરોક્ષ રોજગારીની તકો પેદા થશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular