Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratકેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક પર્વની સમૂહમાં એકઠા થઇ ઉજવણી થાય છે. આ વર્ષે ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરીટોઝના મેયરની સાથે ભારતનો ૭૨મો પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો.

વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં દર વર્ષે ભારતીયો પ્રજાસત્તાક પર્વ ઉજવે છે. આ વરસે કોવિડ-19ના કારણે નિયંત્રણો હોઈ, ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ સેરીટોઝ શહેરના મેયર નરેશ સોલંકી, બેવર્લી હિલ્સ શહેરના મેયર કાઉન્સિલર ડો. જુલિયન ગોલ્ડ અને સેનેટ સભ્ય હેન્રી સ્ટર્ન સાથે ઉજવણી કરી હતી. જ્યારે ૫૮મા ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ વીડિયો સંદેશો જારી કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.

સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી મૂળ બારડોલી તાલુકાના વતની છે. અમેરિકા સહિત વિદેશમાં વસતા ભારતીયોને તેમજ ભારતવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપતા તેમણે જણાવ્યું હતું કે, અમે બધાં ભેગા મળીને દર વર્ષે ભારતના રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ. કોવિડસંકટમાં સૌને માસ્ક પહેરવા અને કાળજી લેવાનો અનુરોધ છે.

આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ સાર્વભોમત્વનું પ્રતિક છે. ૧૩૦ કરોડ લોકોનો સાથે મળીને પ્રજાસત્તાક પર્વ ઉજવે છે. અહીં અમેરિકામાં અમે પણ સૌ જોમ-જુસ્સાથી પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવે છે. ભારત કોરોનાની રસી વિશ્વના અન્ય દેશોને આપીને માનવતાનું મોટું કાર્ય કરી રહ્યો છે.

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા મળ્યા બાદ આપણે ભારતીયો પ્રજાસત્તાક બન્યા. આ રાષ્ટ્રીય પર્વની અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે. આ વર્ષે કોવિડને કારણે એ શક્ય બન્યું નથી ત્યારે અમે અગ્રણીઓએ એકઠા થઇ વર્ચ્યુઅલ ઉજવણી કરી છે. ભારતની એક્તા અને બંધુત્વના આદર્શો હવે વૈશ્વિક બની ગયા છે.

૫૮મા ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત બન્ને દેશ લોકતંત્રમાં એક પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે. અમેરિકા સૌથી જૂની લોકશાહી છે તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વિવિધતા ધરાવતો ભારત દેશ લોકશાહી મૂલ્યો દ્વારા વિશ્વને પ્રેરણા આપી રહ્યો છે. અનેક ધર્મો, ભાષાઓ, પ્રાંતીય સંસ્કૃતિ ધરાવતું હોવા છતાં હળીમળીને રહીને વિશ્વને સર્વસમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતીયો  હળીમળીને રહેવાની ભાવનાથી જાણીતા છે તેઓ જ્યાં રહે છે ત્યાં ભળી જાય છે. અમેરિકામાં આજે લાખોની સંખ્યામાં ભારતીયો વસે છે જેનો અમેરિકાના વિકાસમાં ફાળો રહ્યા છે. આ બધું ભારતીયોના લોકતંત્રના મૂલ્યોને કારણે બન્યું છે.

બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરિટોઝ ખાતે થયેલી ઉજવણીમાં જૈન સોશિયલ ગ્રુપના રાજેન્દ્ર  વોરા, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડેન્ટ પી.કે. નાયક તથા ઓર્સેટિયા ચેમ્બરના વાઈસ પ્રેસિડન્ટ અનિલ દેસાઇ હાજર રહયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular