Friday, July 18, 2025
Google search engine
HomeNewsGujaratસુરતમાં એક સાથે 75 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે નીકળ્યા

સુરતમાં એક સાથે 75 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે નીકળ્યા

સુરત શહેર સોમવારે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. વેસુ વિસ્તારમાં બનાવવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક સાથે 75 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિત ઉચ્ચ અભ્યાસ કરનાર સંયમના માર્ગે નીકળ્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગતિલકસુરેશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં આઠ આખા પરિવારે દીક્ષા લીધી છે.

આ દીક્ષા મહોત્સવની ચાર દિવસથી દીક્ષાની ઘડીનો આતુરતાથી રાહ જોવાઈ રહ્યો હતો. વહેલી સવારે 4.41 મિનિટે ગુરુ ભગવંતો અને મુમુક્ષુ દીક્ષા મંડપમાં પ્રવેશ્યા હતા. સંયમના માર્ગ પર આગળ વધેલા મુમુક્ષુઓને આજે નવા નામકરણ અને વિધિ પણ પૂર્ણ થઈ હતી. કેશ લોચનની વિધિ વખતે ખૂબ અવલોકી દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારો લોકોએ આજના પ્રસંગે ઉપસ્થિત રહીને ઐતિહાસિક સ્થળોને જોઇ ધન્યતા અનુભવી હતી.

આ અવસરે અંતરની ખુમારી સાથે સંયમ ભાવોનો રણટંકાર કરતાં, દીક્ષાર્થીની ભાવ અભિવ્યક્તિ બાદ લાભાર્થી પરિવારો દ્વારા દીક્ષાર્થીઓના ચરણપૂજન કરવામાં આવ્યા.  એમના લલાટે વિજય તિલક કરીને જેમ પીંજરનું બંધન ખૂલતાં જ પક્ષી જેમ વિલંબ વિના આકાશે ઉડી જતું હોય એમ અંતિમવાર માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. સંસારને અલવિદાય કરીને વેશ પરિવર્તન કરવા માટે ઉત્સાહ પૂર્વક દોટ મૂકતાં દ્રશ્યો ભાવિકોના રોમ રોમને સ્પંદિત કરી ગયાં હતાં. સુરત શહેરની સાક્ષીએ તેને વંદન કરતાં કાળા લાંબા કેશનું પ્રસન્ન વદને મૂંડન કરાવતાં દીક્ષાર્થીઓના ત્યાગભીના દ્રશ્યો નિહાળીને હજારો ભાવિકોની આંખ અશ્રુભીની થઈ હતી.

દીક્ષા લેનારાઓમાં હિંમતનગરના ભવ્યકુમાર ભાવેશભાઈ ભંડારી અને વિશ્વાકુમારી ભાવેશભાઈ ભંડારી સગા ભાઈ-બહેન છે. આ પરિવાર મૂળ હિંમતનગરનો છે તથા હાલ અમદાવાદમાં રહે છે. ભવ્ય પિતાની અઢળક સંપતિનો એકનો એક વારસ છે. ભવ્ય ફૂટબોલ તથા કબડ્ડીનો નેશનલ પ્લેયર છે. પણ સાચું ઘરેણું તો સંયમજીવન છે તે વાત તેમને સમજાઈ ગઈ હતી. જે સંતાનોએ સંપત્તિ સિવાય કંઈ નથી જોયું તે સાચી આત્મસંપત્તિ મેળવવા નીકળી પડ્યા. હવેથી ભવ્ય ભંડારી સાત્વિકતિલક વિજય મહારાજ સાહેબ અને વિશ્વાકુમારી સાત્વિકનંદિતા શ્રીજી મહારાજ સાહેબ નામે ઓળખાશે. જૈનાચાર્ય વિજય યોગ યોગતિલકસુરેશ્વરજીની વાણીનો પ્રભાવ એટલો હતો કે તમામ મુમુક્ષુઓ નતમસ્તક થઈને તેમના હાથે દીક્ષા લેવા માટે અધીરા થયા હતા. આખરે 75 મુમુક્ષુને દીક્ષા ગ્રહણ કરી લેતા કાર્યક્રમ સંપન્ન થયો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular