Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratહે, હાલો.. રમીએ સંસ્કૃત ગરબા..!

હે, હાલો.. રમીએ સંસ્કૃત ગરબા..!

સંસ્કૃતમાં પણ કઇ ગરબા હોય? ગુજરાતી ગરબાને મોડીફાઇડ કરી હિન્દી બનાવવાનો પ્રયત્ન થાય છે. પણ સંસ્કૃતમાં ગરબા હોય..! તો જવાબ છે હા. કારણ કે હવે એક આખો વર્ગ છે જે સંસ્કૃત ગરબા ગાય છે, રમે છે, સાંભળે છે અને એની મજા પણ લે છે. આવો જાણીએ સંસ્કૃત ગરબાને.

‘ત્વાં વિના શ્યામ અહમ એકાંતિ ભવામિ,રાસક્રીડાયૈ આગમ્યતામ..,’ ‘મા ગિરિવરાત ત્વાં અવતિર્ણા મહા કાલી રે..’ આ બંને ગરબાનું સંસ્કૃત વર્જન છે. ‘તારા વિના શ્યામ અને મા પાવાતે ગઢથી નિસર્યા રે મહાકાળી..’ ગરબા આપણી સંસ્કૃતિ, આસ્થા અને અધ્યાત્મનનું પ્રતિક છે. એવી જ રીતે સંસ્કૃત આપણી દેવભાષા છે અથવા એવુ પણ કહી શકાય કે સંસ્કૃત દરેક ભાષાની માતા છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડિરેક્ટર મિહીરભાઈ ઉપાધ્યાય કહે છે કે, “આજથી 14 વર્ષ પહેલા અમે પ્રથમ પ્રયત્ન કર્યો. નવરાત્રી દરમિયાન અમે એક દિવસ એવો નક્કી કર્યો જ્યારે સંસ્કૃત ગરબા ગવાય. ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો અને પછી દોઢ કલાક સુધી અમે સતત રાગ,તાલ અને ઢાળ સાથે સંસ્કૃતમાં ગરબા ગાયા. જ્યારે અમે ગરબા ગાતા ત્યારે એક પળ માટે પણ અમને એવુ નહોતુ લાગ્યુ કે મજા નથી આવતી. એમ લાગતુ હતુ કે જાણે શક્તિની ભક્તિમાં અમે લીન થઇ ગયા. ગરબા શરૂ કર્યા હતા ત્યારે માંડ ત્રીસેક જેટલા લોકો હતા. ધીમે ધીમે સંખ્યા વધતી ગઇ અને આજે એ સંખ્યા 900થી 1000 લોકો આવે છે. અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી. હવે સતત ચાર કલાક સુધી સંસ્કૃત ગરબા ગાવામાં આવે છે.

વધુમાં મિહીરભાઈ કહે છે, 35થી પણ વધુ ગરબાની કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ સંસ્કૃતમાં જ ભાંગડા અને સનેડાની પણ રમઝટ જામશે. ખુશીની વાત તો એ છે કે અનેક વિકલ્પ હોવા છતા પણ લોકો હવે સંસ્કૃત ગરબામાં આવવાનું પસંદ કરે છે.

આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ દિવસે સંસ્કૃત ગરબાનું આયોજન છે જે એકલવ્ય સંસ્કૃત એકેડમીમાં કરાયું છે જ્યારે દશેરાના દિવસે મોટા પાયે આયોજન છે જે સોલા ભાગવતમાં માંગલિયા વાટિકામાં સંસકૃત વિધા પ્રતિષ્ઠામ્ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સંસ્કૃત એકેડમી અને એકલવ્ય સંસ્કૃત એકેડમી દ્ધારા કરવામાં આવ્યું છે. જેમાં અનેક ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં આવિર્ભાવ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે આજે જ્યારે ગરબાની સાથે ફિલ્મી ગીતોનું મિશ્રણ જોવા મળે છે એવા સમયે સંસ્કૃત ગરબામાં શિવતાંડવ સ્ત્રોત, મધુરાષ્ટકમ્ જેવા સ્ત્રોતો વગાડીને ગરબા સંસ્કૃતિની પરંપરાની સાત્વિક્તાને જાળવી રાખવામાં આવી રહી છે.

(હેતલ રાવ-અમદાવાદ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular