Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની ઉજવણી કરાઈ

ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની ઉજવણી કરાઈ

બી.એ.પી.એસ.ના વડા મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં અહીના શ્રી અક્ષર મંદિર ખાતે શરદ પૂનમે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. પવિત્ર દિને મંદિરમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું તેમજ મંદિર અને અક્ષરદેરીમાં ઠાકોરજી સમક્ષ ભવ્ય કેકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અક્ષર મંદિર તરફ આવતો હતો. પૂ. મહંત સ્વામીએ શરદ પૂનમની સવારે ઉપસ્થિત સૌ ભક્તોને પ્રાતઃ પૂજા દર્શન તેમજ આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા. આજે અક્ષર મંદિરે ઠાકોરજી તેમજ મહંત સ્વામીના દર્શન કરવાં માટે દેશ-વિદેશથી હજારો હરિભક્તો પધાર્યા હતા.

ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવે તેઓને વધાવવા સંતો, ભક્તોમાં અનેરો ઉત્સાહ જાણતો હતો. સાંજે ૫ થી ૭ દરમ્યાન દરેક ભક્તો ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું આયોજન અક્ષર મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું.  મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની મુખ્ય સભાનો પ્રારંભ રાત્રે ૭ થી ૧૦ દરમ્યાન કરવામાં આવ્યો હતો. ઉત્સવ સભાનાં પ્રારંભમાં સંતોએ ધૂન-ભજનની રમજટ બોલાવી હતી. સમગ્ર વાતાવરણમાં ભક્તિનાં સ્પંદનો ગુંજી રહ્યા હતા.

ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યને વિદ્વાન સંતોના વક્તવ્ય દ્વારા સાંભજનોએ માણ્યું. બાળકો અને યુવાનોએ ચોટદાર સંવાદ અને પ્રેરણાદાયી નૃત્ય દ્વારા ગુણાતીતાનંદ સ્વામીના અદ્વિતીય, આત્મીય, અમર, આનંદકારી તેમજ અક્ષરબ્રહ્મના ગુણોને આત્મસાત કરાવ્યાં હતા.

શરદોત્સવની સભાનો લાભ લેવા માટે ગોંડલના  મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ તેમજ ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજા, રમેશભાઈ ધડુક સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવો તેમજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

શરદોત્સવે પાંચ આરતીના અર્ઘ્ય વડે ગુણાતીતાનંદ સ્વામીને દેશ વિદેશથી પધારેલ સેંકડો સંતો તેમજ હજારો હરિભક્તોએ વધાવ્યા. આ તકે વરિષ્ઠ સંતોએ મહંતસ્વામી મહારાજને સુંદર કલાત્મક હાર દ્વારા સન્માન્યા. સભાના અંતે મહંતસ્વામી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું ગાન કરી આશીર્વચન પાઠવ્યા હતાં. સભા બાદ ઉપસ્થિત સૌને દૂધ પૌવાનો પ્રસાદ વહેંચાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular