Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratપ્રજાસત્તાક પરેડમાં ગુજરાતનો ‘ટેબ્લો’ : મોઢેરાનું સૂર્યમંદિર

પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતનો ‘ટેબ્લો’ : મોઢેરાનું સૂર્યમંદિર

અમદાવાદઃ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ‘ટેબ્લો’ તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. આ ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. લગભગ ૬૦ જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આ ‘ટેબ્લો’ને સજાવ્યો છે. દર વર્ષે ૨૬ જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘ટેબ્લો’ની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરવામાં આવે છે.

મોઢેરાના સૂર્યમંદિરના ‘ટેબ્લો’ સાથે ૧૨ મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જિમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઊઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. “સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા…” એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્‌વાન કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા પાસે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ (પહેલા)એ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં ૧૦૨૬-૨૭માં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું, જેનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિર કરતાં પણ અગાઉ થયું હોવાનું મનાય છે.

‘ટેબ્લો’ પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સૂર્યમંદિરનું હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેકસ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલ.ઈ.ડી. ફ્લડ લાઇટ્‌સથી ‘ટેબ્લો’ પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે.

શિલ્પકાર, ચિત્રકાર, ફેબ્રિકેટર, મિસ્ત્રી અને અન્ય કારીગરો સહિત ૬૦ જેટલા કલાકારો અત્યારે નવી દિલ્હીમાં આ ટેબ્લોને આખરી ઓપ આપી રહ્યા છે. સૂર્યમંદિર જેવા જ આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી ગુજરાતનો ટેબ્લો નવી દિલ્હીના રાજપથની શોભા વધારશે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular