Friday, July 18, 2025
Google search engine
HomeNewsGujaratઊંઝાનાં વિધાનસભ્ય, પ્રતિભાશાળી નેતા આશાબેન પટેલનું નિધન

ઊંઝાનાં વિધાનસભ્ય, પ્રતિભાશાળી નેતા આશાબેન પટેલનું નિધન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ઊંઝા શહેરના ભાજપના વિધાનસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યૂ બીમારીને કારણે આજે અવસાન થયું છે. એ 44 વર્ષનાં હતાં. એમને વધુ સારવાર માટે અહીંની ઝાઈડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર દરમિયાન એમનાં અનેક અવયવો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં અને એમણે આખરી શ્વાસ લીધો હતો. ડો. આશાબેનનાં પાર્થિવ શરીરને અમદાવાદથી ઊંઝા લઈ જવામાં આવ્યું છે અને આવતીકાલે સવારે ત્યાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આશાબેનને ગુરુવારે સાંજે ઝાઈડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ ધીમે ધીમે એમનાં અવયવો કામ કરતાં બંધ થવા લાગ્યા હતા. એમનું હૃદય અને ફેફસાં વધુ નબળાં પડી ગયાં હતાં. લીવર તથા કિડની પણ કામ કરતાં નહોતાં. એમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે હોસ્પિટલમાં એમની મુલાકાત લીધી હતી અને એમનાં પરિવારજનોને તમામ મદદની ખાતરી આપી હતી.

આજે, ભૂપેન્દ્રભાઈએ સદ્દગત આશાબેનનાં પાર્થિવ શરીરનાં દર્શન કર્યા હતા અને એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ટ્વિટર પર ભૂપેન્દ્રભાઈએ લખ્યું છે કે, ‘ઊંઝાનાં વિધાનસભ્ય આશાબેન પટેલનાં નિધન અંગે હું મારું ઘેરું દુઃખ વ્યક્ત કરું છું. જનપ્રતિનિધિ તરીકે સક્રિય રહીને જનતાનાં પ્રશ્નો ઉકેલવા માટે તેમણે આપેલી સેવાઓની અમે સરાહના કરીએ છીએ.‘

આશાબેન દિલ્હી ગયાં હતાં અને ત્યાં ભાજપનાં અનેક ટોચના નેતાઓને મળ્યાં હતાં. ત્યાંથી 7 ડિસેમ્બરે ઊંઝા પાછાં ફર્યાં બાદ એમને તાવ ચડ્યો હતો. બે દિવસ સુધી એમણે એક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ બાદમાં એમને અમદાવાદની ઝાઈડસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

ડો. આશાબેન પટેલના અવસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું, ‘તાજેતરમાં જ એમની સાથે સંસદભવન ખાતે મુલાકાત થઈ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.’

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ આશાબેનનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, ‘જનસેવાનાં કાર્યો માટે એમનું સક્રિય પ્રતિનિધિત્વ સદાય યાદ રહેશે.’

આશાબેન 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યાં હતાં, પરંતુ બાદમાં ભાજપમાં જોડાઈ ગયાં હતાં. 2019માં યોજવામાં આવેલી પેટા-ચૂંટણીમાં એ 23,072 મતોનાં માર્જિનથી જીત્યાં હતાં. હવે એમનાં નિધનને કારણે ઊંઝા બેઠકનો છ મહિનામાં ફરી પેટા-ચૂંટણી યોજવી પડશે. આ બેઠક આ વિસ્તારમાં કડવા પાટીદાર સમુદાયના વર્ચસ્વને કારણે મહત્ત્વની ગણાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular