Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત–ઉત્તર પ્રદેશ મૈત્રી-દિવસની લખનઉ ખાતે ભવ્ય ઉજવણી

ગુજરાત–ઉત્તર પ્રદેશ મૈત્રી-દિવસની લખનઉ ખાતે ભવ્ય ઉજવણી

લખનઉઃ સોમવાર, ૨૩ મેના રોજ ‘ગુજરાત-ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ’ નિમિત્તે અત્રે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. લખનઉના સંત ગાડગેજી મહારાજ ઓડિટોરીયમ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશે આનંદીબહેન પટેલે કહ્યું કે યુવા પેઢી અને એમાં પણ ખાસ કરીને નવોદિત કલાકારો માટે આ બાબત સંજીવની સાબિત થશે. આ સાથે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત વધુ મજબુત બનશે અને બન્ને રાજ્યોના નાગરિકો એકબીજાની વધુ નજીક આવી શકશે. આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી શકે છે તેથી બન્ને રાજ્યોની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન મળવું જોઈએ. ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલું ચારકુલા નૃત્ય નિહાળીને રાજ્યપાલે ઉમેર્યુ હતું કે આ નૃત્ય વ્રજની હોળીના ગૌરવ સમાન છે અને તેનો ઉદ્દભવ રાધારાણીના જન્મ સાથે જોડાયેલો છે. ગુજરાતથી ઉત્તર પ્રદેશ પધારેલા તમામ ગ્રુપને આનંદીબેનનાં હસ્તે રૂ.૫૧, ૦૦૦૦/- ચેક અને સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ ઉત્તર પ્રદેશ ગુજરાત-મૈત્રી દિવસ કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા પ્રારંભમાં નર્મદા અષ્ટકમ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાતી પારંપરિક નૃત્યો જેવા કે ડાંગી નૃત્ય, તલવાર રાસ અને મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા ચારકુલા નૃત્ય, લઠ્ઠમાર, ફુલોની હોળી તથા કરમા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલે ગુજરાતથી ઉત્તર પ્રદેશ આવેલા અધિકારીઓ અને કલાકારોને રાજભવન ખાતે આમંત્રિત કર્યાં હતાં. ઉત્તર પ્રદેશના સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન જયવીર સિંહે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર લઈને માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને નવી દિશા અને માર્ગદર્શન આપ્યું છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે થયેલા એમ.ઓ.યુ.ની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યુ હતું કે હવે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક બાબતો અને કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળશે.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે બંને રાજ્યો વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંગે કહ્યું કે આ બાબત માત્ર બે રાજ્યો વચ્ચે થયેલો સાંસ્કૃતિક વિષયોનો કરાર નથી પરંતુ આ એમ.ઓ.યુ. સાંસ્કૃતિક બાબતોને વધુ વિકસાવવા માટેની સિદ્ધિ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular