Thursday, November 20, 2025
Google search engine
HomeNewsGujaratબાપુનગરમાં સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ

બાપુનગરમાં સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ

અમંદાવાદ: બાપુનગરમાં રહેતા બે ભાઇઓ સરકારી જથ્થાના સસ્તા અનાજના વેપારીઓ પાસેથી બારોબાર અનાજ અને કઠોળનો જથ્થો બારોબાર ખરીદીને  ખોટા ઇનવોઇસ બિલના આધારે સગેવગે કરતા હોવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં સીઆઇડી ક્રાઇમે જેતલપુર પાસે ગોડાઉનમાં દરોડો પાડીને ઘંઉ, ચોખા, તુવેર દાળ અને બાજરાનો રૂપિયા 38 લાખનો જથ્થા સાથે કુલ 44 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે સગાભાઇઓ સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓની સંડોવણી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને બાતમી મળી હતી કે બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા સુશીલ ગોયેલ સૌરભ ટ્રેડર્સના નામે  અમદાવાદમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના વિક્રેતાઓ પાસેથી ખોટા બિલ બનાવીને લાભાર્થીઓના  હકનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરીને મોટા પ્રમાણમાં વેચાણ કરે છે. આ જથ્થો વી વી એગ્રોને આપવાનો હતો. પોલીસે વી વી એગ્રોના વસંતભાઇ પ્રજાપતિની પુછપરછ કરીને તેના ગોડાઉનમાં તપાસ કરતા બાજરીના રૂપિયા 2.45 લાખની કિંમતના 182 કટ્ટા, ચોખાના રૂપિયા 13.38 લાખની કિંમતના 1953 કટ્ટા, ઘઉંના રૂપિયા 12.40 લાખની કિંમતના 919 કટ્ટા અને તુવેર દાળના રૂપિયા 9.25 લાખની કિંમતના 125 કટ્ટા મળી આવ્યા હતા. આ કૌભાંડમાં સુશીલનો ભત્રીજો આશિષ ગોયેલ પણ સામેલ હતો. ઉલ્લેખનીય છે કે સુશીલ ગોયલ 2020થી સસ્તા અનાજની દુકાનોમાંથી બારોબાર સરકારી અનાજનો જથ્થો લઇને ગેરકાયદેસર વેચાણ કરતો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular