Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratગણપત યુનિ.માં બે દિવસીય સતરંગ યુથ ફેસ્ટિવલ-૨૦૨૨ યોજાયો

ગણપત યુનિ.માં બે દિવસીય સતરંગ યુથ ફેસ્ટિવલ-૨૦૨૨ યોજાયો

વિદ્યાનગરઃ દેશના યુવાનોના ઉમંગ, ઉત્સાહ અને કલાત્મક અભિગમને, તેમની સર્જનાત્મક સૂઝને બિરદાવવા અને અભિવ્યક્તિની મોકળાશ અને તકો આપવા યુવા– મેળાઓ અને મહોત્સવો ઊજવાતા હોય છે. ગણપત યુનિવર્સિટીમાં ૨૫-૨૬મી માર્ચ દરમિયાન બે દિવસીય સતરંગ યુથ ફેસ્ટિવલ-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણપત યુનિવર્સિટીની ૧૪ વિવિધ કોલેજો અને બે શાળાઓના મળીને ૬૦૦થી વધારે વિદ્યાર્થીઓ– કલાકારો વચ્ચે ૧૫ જેટલી વિવિધ કલા–સ્પર્ધાઓ અને પ્રવૃતિઓનું આયોજન થયું હતું. દરેક સ્પર્ધામાં ૧લો, બીજો અને ત્રીજો એવો ક્રમ આપીને વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં લિટરેચર, મ્યુઝિક, ડાન્સ, ડ્રામા અને ફાઇન–આર્ટસની વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ફોક ડાન્સમાં કોળી ગીત, રાસ – ગરબા અને ઢોલ ગીતોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ દસમા સતરંગ યુથ ફેસ્ટિવલનો પ્રારંભ તેની ઇનોગ્યુરલ પરેડ દ્વારા થયો હતો, જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થી –કલાકારોએ કલાત્મક ટેબ્લો બનાવી મહેમાન મહાનુભાવો સમક્ષ પરેડના સ્વરૂપમાં રજૂ કર્યા હતા.

પરેડના પ્રારંભના સ્થળે એક મંચ ઉપર ઉપસ્થિત અતિથિવિશેષ  રીટાબહેન ગણપતભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા સહિત અનેક મહાનુભાવોએ ફુગ્ગાઓ ઉડાડી યુથ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો.

આ સમારોહમાં કલાકારો ઉપરાંત ૩૦૦૦થી વધારે અન્ય વિદ્યાર્થીઓ પણ યુથ ફેસ્ટિવલને માણવા તત્પર હતા. ખાસ અમેરિકાથી ઓનલાઇન ઉપસ્થિત રહેલા પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદાએ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટ તરીકે “સતરંગ યુથ ફેસ્ટિવલને” ઓપન ડિકલેર કર્યો તો યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ ફેસ્ટિવલના સૌ સહભાગી વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પેટ્રન-ઇન-ચીફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે કહ્યું હતું કે કોવિડનાં બે વર્ષ આપણે ઉત્સવ માણી નહીં શક્યા, પરંતુ હવે આ વર્ષે સુંદર રીતે ઊજવી શકીએ છીએ- તેનો રાજીપો છે. યુથ ફેસ્ટિવલના અવસરના બે દિવસને અંતે વિવિધ કલા–સાહિત્યની સ્પર્ધાઓના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફીઓ અર્પણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીની સાયન્સ કોલેજને “ઓવરઓલ ચેમ્પિયનની” અને એમ્પિક્સ કોમ્પ્યુટર કોલેજને “રનર્સ-અપ” ટ્રોફી એનાયત થઈ હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular