Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratફેબ્રુઆરીથી સ્પીડનું ઉલ્લંઘન કરનારા પર રૂ. 3.10 કરોડનો દંડ

ફેબ્રુઆરીથી સ્પીડનું ઉલ્લંઘન કરનારા પર રૂ. 3.10 કરોડનો દંડ

અમદાવાદઃ ફેબ્રુઆરી, 2022થી અત્યાર સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં સ્પીડ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા 15,001 વાહનચાલકોને રૂ. 3.10 કરોડના ઈ-મેમો મોકલ્યા છે, જેમાં મોટા ભાગના વાહનચાલકો એસજી રોડ, એસપી રિંગ રોડ અને સિંધુ ભવન રોડ પરથી પસાર થયા હતા. શહેરમાં આઠ જેટલા ઇન્ટરસેપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં પાંચ સ્પીડ ગનની સાથે સ્પીડના નિયમોનું ઉલ્લંઘન કરવાવાળાઓને પકડવા માટે ડ્યુટી પર તહેનાત છે. આ ઇન્ટરસેપ્ટર એસપી રિંગ રોડ, એસજી હાઇવે, સિંધુ ભવન રોડ અને 100 ફૂટના રિંગ રોડ પર લગાવવામાં આવ્યા છે.

એસજી હાઇવે પર સ્પીડમર્યાદા  મહત્તમ 70 કલાકદીઠ રાખવામાં આવી છે, જેમાં ટૂ વ્હીલર માટે સ્પીડ મર્યાદાનો પહેલી વાર નિયમ તોડવા પર રૂ. 1500નો દંડ અને બીજી વાર નિયમ તોડવા બદલ રૂ. 2000 દંડ ફટકારવામાં આવે છે. જ્યારે લાઇટ મોટર વેહિકલ (LMVS) માટે પહેલી વાર રૂ. 2000 અને બીજી વાર નિયમ તોડવા પર રૂ. 3000નો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વાર સ્પીડ મર્યાદાનો ભંગ કરનારનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાફિક પોલીસે સ્પીડની મર્યાદા તોડનારા વેહિકલ સામે 1812 કેસ નોંધ્યા હતા અને રૂ. 36.54 લાખના ઈ-મેમો મોકલ્યા હતા, જ્યારે માર્ચમાં રૂ. 75.44 લાખના અને એપ્રિલમાં 5436 કેસોમાં રૂ. 1.13 કરોડના ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. મેમાં અત્યાર સુધી 4033 કેસો નોંધાયા હતા, જેમની પાસેથી રૂ. 84.39 લાખ વસૂલ કરવામાં આવ્યા છે, એમ પોલીસ ખાતાના સંયુક્ત કમિશનર મયંક સિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અમારો હેતુ શહેરમાં અકસ્માતો ઘટાડવાનો છે, જેથી  સ્પીડનો ભંગ કરનારા પર વધુ ને વધુ દંડ લગાવવામાં  આવશે. અમે લોકોને જવાબદારીથી વાહનો ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા સાથે ઇન્ટરસેપ્ટરનો વ્યાપ વધારીશું, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular