Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratAMC દ્વારા દબાણો હટાવ્યા બાદ પણ 'જૈસે થે’

AMC દ્વારા દબાણો હટાવ્યા બાદ પણ ‘જૈસે થે’

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દબાણ ખાતું વારંવાર રોડ ખુલ્લો કરવા પ્રયાસ કરે છે એ પછી ગણતરીના જ કલાકોમાં રોડ પર શાકભાજી અને ફૂલ વેચતા પાથરણાવાળા ફરીથી એ જ જગ્યાએ આવી જાય છે. જેથી એએમસીની મહેનત માથે પડે છે. શહેરના જમાલપુર માર્કેટના ઓવરબ્રિજ નીચેની બંને બાજુએ વારંવાર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે છે, પણ ગણતરીના કલાકોમાં જ રોડનો કબજો લઇ અવ્યવસ્થા ફેલાવતાં પાથરણાં અને લારીઓથી ટ્રાફિક-જામ થઈ જાય છે.

જમાલપુર માર્કેટથી પાલડી તરફ જતાં માર્ગ પર અને સરદાર બ્રિજ, ફૂલબજારથી સળંગ વર્ષોથી પાથરણાં અને લારીઓનો ખડકલો લાગી જાય છે. જમાલપુર માર્કેટમાં મોડી રાત્રે, વહેલી સવારે ગામડાંઓ માંથી આવેલા શાકભાજી અને ફૂલ ગાડીઓમાંથી ઊતર્યા બાદ કેટલાંક લોકો પાથરણાં અને લારીઓ સાથે રોડ પર જ બેસી જાય છે. ફૂલ બજાર, માર્કેટની ફૂટપાથો તો ભરચક થઈ જાય છે. આ લારીઓ, પાથરણા અને વાહનોથી ભરચક થઈ જતાં કેટલીય વાર અવ્યવસ્થા સર્જાય છે. જ્યાં પે એન્ડ પાર્કિંગ છે એમાં પણ દબાણો કરી દેવામાં આવે છે.

દબાણ ખાતાની ગાડીઓમાં કામ કરતાં સ્ટાફના કહેવા મુજબ કેટલીક વાર વૃદ્ધ, ગરીબ પાથરણાંવાળાનું ઘર ગુજરાન ચાલે એ હેતુથી આંખ આડા કાન કરવા પડે છે. પરંતુ આ તમામ પાથરણાં, લારીઓ વાળા ફૂટપાથ અને રોડ વચ્ચે જ અડિંગો જમાવીને બેસી જાય છે. જે ટ્રાફિક પોલીસ, દબાણ ખાતું, વાહનચાલકો, સ્થાનિક  રાજકીય નેતાઓ માટે મોટો પડકાર અને સમસ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular