Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratલો પ્રેશરને લીધે રાજ્યમાં પાંચ-દિવસ ભારે વરસાદની સંભાવના

લો પ્રેશરને લીધે રાજ્યમાં પાંચ-દિવસ ભારે વરસાદની સંભાવના

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય દિશામાં લો પ્રેશરમાં સર્જાયું છે, જેથી આગામી 24 કલાકમાં એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તેને કારણે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસે એવી શક્યતા છે. વળી, વિભાગે ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. જેથી માછીમારોને આજે અને આવતી કાલે દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ડાંગ સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતના ઊંઝા સહિત, વડનગર અને ખેરાલુ સહિત મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ભરાવાને પગલે વાહનચાલકો હેરાનપરેશાન થયા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. રાજ્યના 206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular