સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલ (કોવિડ સેન્ટર)માં આજે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગ લાગવાની ખબર મળતાં જ ફાયર બ્રિગેડના જવાનોની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ રહેલા તમામ 16 દર્દીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે. સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.  
સર્વર રૂમમાં આગ લાગી 
બપોરે બે વાગ્યાની આસપાસ હોસ્પિટલના પ્રથમ માળ પર આવેલા સર્વર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં જ ઝેરી ધુમાડો ચારે તરફ ફેલાયો હતો. જોકે, દર્દીઓને બચાવવા માટે એલિવેશનનો ભાગ તોડી નખાયો હતો. હોસ્પિટલની નોન-કોવિડ વિંગમાં આગ લાગી હતી. જ્યાં આઇસીયુમાં રહેલા 16 દર્દીઓને સફળતાથી ખસેડવામાં આવ્યા હતા. એની સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ સાવચેતીથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આસપાસના લોકો દોડી આવ્યા
ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગતાં આસપાસમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલના સંચાલકે જણાવ્યું હતું કે આગ લાગતા જ હોસ્પિટલનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પાસે તમામ પ્રકારની એનઓસી છે. તેમજ તમામ સિસ્ટમ પણ કાર્યરત છે.



                                    
