Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratનાણાં સચિવ ડો. હસમુખ અઢિયા મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર

નાણાં સચિવ ડો. હસમુખ અઢિયા મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય મંત્રી કાર્યાલયમાં રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની સલાહકાર તરીકે નિમણૂક કરી છે. મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે અને માર્ગ-મકાન વિભાગના ભૂતપૂર્વ સચિવ એસ.એસ.રાઠૌર CMના સલાહકાર તરીકે સેવાઓ આપશે.

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્ર સરકારમાં નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮એ નિવૃત્ત થયા છે અને તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.

આ ઉપરાંત ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે. ડૉ. હસમુખ અઢિયા તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. નાણાં અને મહેસૂલ સચિવ તરીકે તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનું શ્રેય આપવામાં આવ્યું હતું.

તેઓ નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરિંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે એ ક્ષેત્રો-વિષયોમાં મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે. ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્ય મંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલો હશે ત્યાં સુધીનો રહેશે.

માર્ગ-મકાન વિભાગના ભૂતપૂર્વ સચિવ એસ.એસ.રાઠૌર CMના સલાહકાર

સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેમણે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપીને વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ ૨૦૧૮માં આંતર માળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી” થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનું શ્રેય તેમને જાય છે. ગુજરાતના “હાઇવે અને કેનાલ મેન” તરીકે પણ રાઠૌર પ્રખ્યાત છે. રાઠૌર મુખ્ય મંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલવેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરિંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્ય મંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી- આ બે માંથી જે વહેલો હોય ત્યાં સુધીનો રહેશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular