Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં દુર્લભ સિક્કા નોટો એન્ટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન

અમદાવાદમાં દુર્લભ સિક્કા નોટો એન્ટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારના સરદાર પટેલ સેવા સમાજ હોલમાં નિયમિત જુદા-જુદા મેળા લાગે છે, પણ અત્યારે આખાય પ્રાંગણની ખુલ્લી જગ્યા, અંદરનો હોલ, ભોંયરામાં- તમામ જગ્યાઓ પર જૂના સિક્કા, અવનવી જૂની નવી નોટો, એકદમ એન્ટિક ચીજવસ્તુઓનું કલેક્શન કરનારાથી ભરાઈ ગઈ છે. ગુજરાત કોઈન સોસાયટી દ્વારા ‘કોઈનેક્સ 2024’ નેશનલ લેવલના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના સિક્કા, મેડલ્સ, કરન્સી નોટ્સ અને કેટલીક દુર્લભ ચીજવસ્તુઓ જોવા મળશે.

ગુજરાત કોઈન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી મોહસિન શેખ ચિત્રલેખા.કોમને કહે છે જૂની, અનોખી, કલાત્મક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનો ઘણા લોકોને શોખ હોય છે. શોખ સંગ્રહ માટે સમય અને નાણાં પણ ખર્ચે છે. સિક્કા, નોટ, મેડલ્સ એન્ટિક વસ્તુઓનું કલેક્શન કરનારા લોકો એક જગ્યાએ ભેગા થાય એ માટે અમે 1994થી પ્રદર્શન મેળો ગોઠવીએ છીએ. આ વર્ષે ફેબ્રુઆરીની 4 તારીખ સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે. નેશનલ લેવલે પ્રદર્શન હોવાથી આ પ્રકારનું કલેક્શન ધરાવનારા લોકો એકઠા થઈ શકે. એકબીજાનું કલેક્શન જોઈ શકે. એકત્રિત કરેલી વસ્તુઓની ઘણા લોકો લે-વેચ પણ કરતા હોય છે. પ્રદર્શનથી આપણા જૂના સિક્કા, નોટો, એન્ટિક વસ્તુઓ કેવી હતી, એ જોવાનો અવસર મળે છે. તમામ લોકો આ પ્રદર્શન માણી શકે એ માટે શહેરની મધ્યમાં રાખવા પ્રયાસ કરીએ છીએ. દેશમાંથી નોટો, સિક્કા, મેડલ્સનું કલેક્શન કરનારા લોકોએ તો ભાગ લીધો છે. આ સાથે એની જાળવણી કરતી સામગ્રી પણ આ પ્રદર્શનમાં જોવા મળશે.

મોહસિન શેખ કહે છે, અવનવું કલેક્શન કરનારા ઘણા લોકોને પોતાના સિક્કાની સાચી કિંમત ખબર હોતી નથી. એવા સમયે નિષ્ણાતો એમને યોગ્ય કિંમત પણ કહે છે. હમણાં સોશિયલ મિડિયાનો જમાનો છે. કેટલીક વાર લોભામણી લલચામણી વાતો કહી માણસોને છેતરવામાં આવે છે. પરંતુ કલેક્શનનો સાચો શોખ, વ્યવસાય અને નિષ્ણાતનો સંપર્ક, સલાહથી યોગ્ય માર્ગદર્શન પણ મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular