Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratબનાસ ડેરીના એન્જિનિયરોએ 72-કલાકમાં ઓક્સિજન-યુનિટ ઊભું કર્યું

બનાસ ડેરીના એન્જિનિયરોએ 72-કલાકમાં ઓક્સિજન-યુનિટ ઊભું કર્યું

અમદાવાદઃ હાલ કોવિડ-19 મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓક્સિજનની કારમી અછત સર્જાતી જોવા મળી છે ત્યારે કેટલીક સંસ્થાઓ ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે આગળ આવીને ગુજરાતનું અસલી ખમીર દર્શાવી રહી છે. કોવિડ-19ના ક્રિટિકલ સ્થિતિમાં રહેલા દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના એન્જિનિયરોની ટીમે માત્ર 72 કલાકમાં જ તેની જિલ્લા મેડિકલ કોલેજ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. આ જિલ્લા હોસ્પિટલમાં આથી ઓક્સિજનનો પુરવઠો મળતો રહેશે.

બનાસ ડેરી દ્વારા પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટને સપોર્ટ કરતી રહી છે. આ હોસ્પિટલમાં ગત સપ્તાહે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. અહીં 125 કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જો કે કેટલાક સિલિન્ડર્સ સાથે આ કપરી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાઈ હતી.

બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ મિલ્ક યુનિયન (બનાસ ડેરી)ના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું, “અમે વિચાર્યુ કે ક્યાં સુધી ઓક્સિજન માટે બાહ્ય સ્ત્રોત પર આધારિત રહેવું? અમે એ માટે અમારી પોતાની કોઈ વ્યવસ્થા ઊભી કરવા માગતા હતા. અમારી ટીમ અને વેન્ડર્સની મદદથી અમે માત્ર 72 કલાકમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી લીધો છે.”

આ પ્લાન્ટમાં 70 જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ અથવા તો 680 કિલો ઓક્સિજન બની શકે છે જે એક દિવસમાં 35-40 દર્દીઓ માટે પૂરતો થઈ શકે છે.

ડેરીના સિનિયર જનરલ મેનેજર બિપિન પટેલે આ પ્લાન્ટ તૈયાર કરાયો તે સમયની વાત કરતા કહ્યું હતું કે ડેરીની અધિકારીઓની અને એન્જિનિયરોની ટીમે મિની ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું હતું, “અમારી પાસે સમય ઓછો હતો. અમારા હાલના વેન્ડર પ્લાન્ટ તો બનાવી શકે એમ હતા પરંતુ તેમની પાસે એર કમ્પ્રેસર અને એર ડ્રાયર જેવા કમ્પોનન્ટ નહોતા. પરંતુ અમે તેમને પ્લાન્ટ તૈયાર કરવાનું શરૂ કરી દેવા માટે કહ્યું અને અમે લોકો જોઈતા પાર્ટ્સ પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. અમે એ સમયે ખર્ચ કેટલો થશે એ પણ જોયું નહોતું.

પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો

બનાસ ડેરીએ તૈયાર કરેલા આ ઓક્સિજન પ્લાન્ટમાં પ્રેશર-સ્વિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ટેકનોલોજીથી હવામાંથી ઓક્સિજન અલગ પાડવામાં આવે છે. હવામાં 21 ટકા ઓક્સિજન અને 78 ટકા નાઈટ્રોજન અને અન્ય ગેસ હોય છે. પટેલે જણાવ્યું હતું, ‘અમારે 93-96 ટકા શુદ્ધ એવા મેડિકલ ગ્રેડ ઓક્સિજનની જરૂર હતી અને એ અમે કરી શક્યા છીએ. હવે અમારી ટીમ ઓક્સિજનની વ્યવસ્થામાં સમય આપવાને બદલે મુખ્ય મેડિકલ કાર્યમાં ધ્યાન આપી શકશે.” ઓક્સિજન મામલે સંપૂર્ણપણે સ્વાયત્ત બની શકાય એ માટે ડેરીની યોજના જિલ્લામાં વધુ બે પ્લાન્ટ શરૂ કરવાની છે.  આ રીતે બનાસ ડેરીએ ‘જાત મહેનત ઝિંદાબાદ’ની ઉક્તિ સાર્થક કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular