Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratકેનેડાની ફિનટેક કંપનીઓને ગિફટ-સિટીમાં મૂડીરોકાણ માટે CMનું આમંત્રણ

કેનેડાની ફિનટેક કંપનીઓને ગિફટ-સિટીમાં મૂડીરોકાણ માટે CMનું આમંત્રણ

અમદાવાદઃ કેનેડાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ દિરાહ કેલીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે મુલાકાત કરી હતી. કેલીએ જણાવ્યું હતું કે કેનેડાએ ઓટોમોટિવ, કલીન ટેક-રિન્યુએબલ એનર્જી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને લાઇફ સાયન્સિસ જેવાં સેક્ટર્સમાં બહુવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને અમદાવાદમાં એક ટ્રેડ કમિશનર સર્વિસ ઓફિસ શરૂ કરી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહયોગની તેમણે પ્રશંસા કરી હતી.

કેનેડા-ભારત અને ગુજરાત વચ્ચેના પરસ્પર ઉષ્માપૂર્ણ સંબંધો અને ખાસ કરીને શિક્ષણ, ઔદ્યોગિક રોકાણો તેમજ ગ્રીન એન્વાયર્નમેન્ટ, કલીન ટેક જેવા વિષયોમાં ભાગીદારીની તકો વિશે આ બેઠકમાં ફળદાયી પરામર્શ તેમણે કર્યો હતો. મુખ્ય પ્રધાને કેલી સાથેની વાતચીતમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધા ધરાવતા ગિફટ સિટીમાં કેનેડાની ફાઇનાન્સિયલ સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને કેનેડિયન પેન્શન ફંડ માટે વિશાળ તકો રહેલી છે. તેમણે કેનેડાની આ ક્ષેત્રની સંસ્થાઓને ગિફટ સિટીમાં મૂડીરોકાણો માટે આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

આ ઉપરાંત  કેનેડિયન કંપનીઓને કલીન એનર્જી, ગ્રીન મોબિલિટી, ઉપરાંત ગ્રીન એનર્જી માટે સોલાર, વિન્ડ, ગ્રિડ ઇન્ટિગ્રેશન અને ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજી વગેરેમાં સંશોધન તેમ જ નવીનતા માટે રાજ્યમાં મૂડીરોકાણની તકો અંગે પણ સંભાવનાઓ ચકાસવા પણ મુખ્ય પ્રધાને આ બેઠકમાં તેમને સૂચન કર્યું હતું

કેનેડાના ઉદ્યોગોની વેસ્ટ વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અને સ્લમ એરિયામાં રિસાઇકલ્ડ વોટરના પ્રોજેક્ટ વિશેની જાણકારી પણ કેલીએ આ બેઠકમાં આપી હતી. મુખ્ય પ્રધાને કેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે આપતાં વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular