Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratમુખ્ય મંત્રીનું સિંગાપોરને વાઇબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા આમંત્રણ

મુખ્ય મંત્રીનું સિંગાપોરને વાઇબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા આમંત્રણ

સિંગાપોરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગિતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રીએ સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રીયુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. ત્યાર બાદ તેમણે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમ જ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના CEO શ્રીયુત પ્રસુન મુખર્જી અને ડેલિગેશન સાથે બેઠક યોજી હતી.

મુખ્ય મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાતમાં સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં રિન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રિક વેહિકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી પ્રોડક્ટ જેવાં ઈમર્જિંગ સેક્ટરમાં મૂડીરોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું હતું કે ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટલ લાઇનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઊભરી રહ્યું છે.

મુખ્ય મંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં મંત્રી ગેન કિમે જણાવ્યું હતું કે ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે.

તેમણે કહ્યું હતું કે સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રૂટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે. તેમણે ગુજરાત ડેલિગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. એ સાથે જ સિંગાપોરે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular