Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratબિલ્કીસ બાનો અપીલ-કેસઃ કેન્દ્ર, ગુજરાત-સરકારને SCની નોટિસ

બિલ્કીસ બાનો અપીલ-કેસઃ કેન્દ્ર, ગુજરાત-સરકારને SCની નોટિસ

નવી દિલ્હીઃ બિલ્કીસ બાનો પર સામુહિક બળાત્કાર અને એનાં પરિવારજનોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 અપરાધીઓને સજામાફી આપી જેલમાંથી મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી એક અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને નોટિસ મોકલી છે અને એમની પાસે જવાબ માગ્યો છે.

વડા ન્યાયમૂર્તિ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે સરકારોને નોટિસ મોકલી છે અને અરજદારોને કહ્યું છે કે જે અપરાધીઓને જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે એમને પણ તેઓ આ મામલે પક્ષકાર બનાવે. સુપ્રીમ કોર્ટે હવે બે સપ્તાહ પછી આ કેસમાં સુનાવણી કરશે. ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)નાં સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ તથા સામાજિક કાર્યકર રૂપરેખા રાનીએ કરી છે. 11 અપરાધીઓએ 15 વર્ષની જેલની સજા પૂરી કરી દીધી હતી અને ગુજરાત સરકારે તેની સજામાફી નીતિ અંતર્ગત ગઈ 15મી ઓગસ્ટે એમને ગોધરાની જેલમાંથી છોડી મૂક્યા હતા. ગુજરાત સરકારે જે મુક્ત કર્યા છે એમના નામ છેઃ જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસર વહોનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વહોનિયા, રાજુ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદના.

2008ની 21 જાન્યુઆરીએ મુંબઈમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બિલ્કીસ બાનો પર ગેંગરેપ કરનાર અને એનાં પરિવારનાં સાત સભ્યોની હત્યા કરનાર 11 જણને આજીવન કેદની સજા ફટકારી હતી. તે સજાને બાદમાં મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખી હતી. 2002માં ગોધરામાં ટ્રેન સળગાવી દઈ તેના એક કોચમાં સફર કરતા 59 કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના બન્યા બાદ ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી હતી ત્યારે બિલ્કીસ બાનો એનાં પરિવારજનો સાથે સુરક્ષિત સ્થળે જવા માટે ભાગી નીકળી હતી. એ વખતે તે 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. પરંતુ 2002ની 3 માર્ચે બેકાબૂ લોકોનાં એક ટોળાએ તલવારો અને લાઠીઓ વડે એમની પર હુમલો કર્યો હતો. અપરાધીઓએ બિલ્કીસ પર ગેંગરેપ કર્યો હતો અને એની ત્રણ વર્ષની બાળકી સહિત સાત પરિવારજનોની હત્યા કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular