Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતનું રીંછ “સ્લોથ બીઅર”

ગુજરાતનું રીંછ “સ્લોથ બીઅર”

ગુજરાત સસ્તન, જળચર, ખેચર, ભૂચર, સરિસૃપ જેવા વિવિધ વન્યપ્રાણીઓથી સધ્ધર વિસ્તાર છે. એમાંનું એક સસ્તન વન્યપ્રાણી રીંછ છે. ભારતમાં મુખ્યત્વે રીંછની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં જોવા મળતી પ્રજાતી છે “સ્લોથ બીઅર”

તાજેતરમાં જ વન વિભાગ દ્ધારા રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછની વસ્તી નોંધાઈ છે. ત્યારે રીંછ વિશે જાણવું રસપ્રદ છે.

રીંછનો પ્રિય ખોરાક

રીંછ એક નિશાચર પ્રાણી છે અને તે સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. વનવિભાગના જણાવ્યા પ્રમાણે રીંછ આખી રાત ખોરાક માટે ફરે છે. ખાસ કરીને ખોરાકમાં ફળ, ફૂલ, કંદમૂળ અને વિવિધ જાતોનાં કીટકો ખાવાનું પસંદ કરે છે. રીંછના પ્રિય ખોરાક વિશે વાત કરીએ તો તે ઉધઈ છે. મોટાભાગે દિવસ દરમિયાન પોતાના રહેઠાણમાં રહે છે અને સાંજના સમયે બહાર નિકળે છે. રીંછ પોતાના ચોક્કસ સ્થળે જ પાણી પીવા માટે જાય છે.

આ સ્થળે રીંછ જોવા મળે

રાત્રી દરમિયાન જે વિસ્તારમાં વનસ્પતિ અને વધુ ફળ હોય ત્યાં રીંછ જોવા મળે છે. ખાસ કરીને બોરડી, મહુડા, આંબો, જાંબુ જેવા વૃક્ષો પાસે રીંછ વધારે જોવા મળે છે. રીંછનું આયુષ્ય અંદાજે 35થી 40 વર્ષનું હોય છે. જ્યારે તેના પ્રજનનકાળની વાત કરીએ તો સ્લોથ રીંછ વસંત અને ઉનાળાની શરૂઆતમાં પ્રજનન કરે છે અને શિયાળાની શરૂઆતમાં બચ્ચાને જન્મ આપે છે. રિંછ  બે થી ત્રણ વર્ષે બે બચ્ચાને જન્મ આપે છે. આમ તો સ્લોથ રીંછ ફ્રેન્ડલી હોય છે પરંતુ મનુષ્ય દ્ધારા અતિક્રમણ કરવામાં આવે તો તેઓ ક્યારેક હુમલો પણ કરે છે.

રીંછના નિવાસ-સ્થાન

ગુજરાતમાં જુદી-જુદી જગ્યા પર રીંછનું નિવાસ સ્થાન છે. જેમાં જાણીતા સ્થળની વાત કરીએ તો બાલારામ-અંબાજી વન્યપ્રાણી અભ્યારણ, જેસોર અભ્યારણ, જાંબુઘોડા વન્યપ્રાણી અભ્યારણ, રતન મહાલ અભ્યારણ અને શૂલપાણેશ્વર અભ્યારણ જેવી જગ્યાઓ પર જોવા મળે છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં વધુ છે રીંછ

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લામાં રીંછની વિશેષ ઉપસ્થિતિ જોવા મળે છે. એમાં પણ સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ રીંછને વધુ અનુકુળ હોવાથી ત્યાં એમની વસ્તી વધુ છે.

પાંચ વર્ષે થાય છે વસ્તી ગણતરી

વન વિભાગ દ્ધારા દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2016માં રીંછની રાજ્યવ્યાપી વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 358 રીંછ છે. છેલ્લી ગણતરી કરતા રીંછની વસ્તીમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો છે. રાજયમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 146 રીંછ જોવા મળ્યા છે. જ્યારે દાહોદ જિલ્લામાં 101, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30, મહેસાણામાં 9, પંચમહાલમાં 6 અને નર્મદા જિલ્લામાં 5 રીંછની વસ્તી નોંધાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular