Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujarat બાપુ વિરુદ્ધ બાબા- આંધળા ભક્તોને ભગવાન માફ કરેઃ શંકરસિંહ વાઘેલા

 બાપુ વિરુદ્ધ બાબા- આંધળા ભક્તોને ભગવાન માફ કરેઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદઃ રાજ્યનાં ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે, પણ એ પહેલાં જ વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ગઈ કાલે કોંગ્રેસે બાબાને કેટલાક સવાલો કર્યાં હતા, પરંતુ તેમના દરબારને લઈને ભાજપ અને કોંગ્રેસમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે  બાગેશ્વર બાબા ભાજપનું માર્કેટિંગ કરે છે. તેમના આ આક્ષેપનો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જવાબ આપતાં કહ્યું હતું કે બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યાં છે. ભાજપે બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું.

સુરતના ભરાટ વિસ્તારમાં સામાજિક પ્રસંગે આવેલા પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા અંગે જણાવ્યુ હતું કે  ભારતમાં ધર્મના નામે ધતિંગ કરવાવાળા ઓછા નથી અને તેઓ ક્યારેય ભૂખ્યા નથી મરતા. તેમનો આ પ્રકારે જ ઉપયોગ થાય છે. ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ. ગુજરાતમાં ધર્મને નામે આ પ્રકારનાં નાટક બંધ કરી દેવાં જોઈએ. ભાજપ દ્વારા આ રીતે ભગવાધારીનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચમત્કારને નામે ખોટાં નાટક કરવામાં આવે છે.

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ તંત્ર-મંત્ર સાથે જોડાયેલી વ્યક્તિ નથી. તેઓ કોઈ પણ પ્રકારના ચમત્કાર નથી કરતા. તેમની જે સભા થતી હોય તેમાં જવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી.ત્યાં આવનાર વ્યક્તિ પોતાની સમસ્યાના નિરાકરણ માટે આવે છે અને બાગેશ્વર બાબા પોતાની રીતે યોગ્ય લાગે એ પ્રમાણે જવાબ આપે છે. આ કાર્યક્રમના આયોજનમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ભાજપ સાથે પણ જોડાયેલા હોય, પરંતુ પક્ષ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular