Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat...અને અંતમાં fade થવાનું: અમેરિકાસ્થિત કવિ ચંદ્રકાંત શાહનું નિધન

…અને અંતમાં fade થવાનું: અમેરિકાસ્થિત કવિ ચંદ્રકાંત શાહનું નિધન

શનિવારની મધરાતે (4 નવેમ્બરે) જેમનું 67 વર્ષની વયે અમદાવાદમાં અકાળ અવસાન થયું એ ચંદ્રકાંત હંસરાજ શાહ યારોના યાર, દિલદાર હતા. સુપ્રસિદ્ધ હાસ્યકાર તારક મહેતાના જમાઈ અને મિત્રો માટે ચંદુભાઈ બોસ્ટનવાલે છેલ્લા પખવાડિયાથી અમદાવાદની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આવતી કાલે (રવિવાર, પાંચ નવેમ્બરે) અમદાવાદમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પત્ની ઈશાની તથા પુત્રી શૈલી હાલ અમદાવાદમાં છે, જ્યારે પુત્ર કુશાન સૅન ફ્રાન્સિસ્કોથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.

આપણો બહુરૂપી શબ્દ એકદમ ફિટ થાય. 1984માં મુંબઈથી અમેરિકા પ્રસ્થાન કરી ગયેલા અને બોસ્ટન શહેરમાં વસતા ચંદુ શાહ મૂળ કવિજીવ, પણ એ અચાનક રૂપ બદલીને નાટ્યકાર બની જાય તો ક્યારેક અભિનેતા… યાદ કરો, ‘નર્મદ.’ અને મૂડ બની જાય તો ગોલ્ફ રમવા પહોંચી જાય, ને પ્રોડ્યુસર પણ બની જાય અને ડિરેક્ટર પણ. એ ‘અક્ષય પાત્ર ફાઉન્ડેશન’ સાથે સંકળાયેલા હતા. ‘અક્ષય પાત્ર’ ભારતની સાડાછ હજારથી વધુ સ્કૂલોના ૧૩ લાખ છાત્રોને નિ:શુલ્ક મધ્યાહન ભોજન ઉપ્લબ્ધ કરે છે.

થોડા જ સમય પહેલાં ચંદુભાઈએ પોતાની મિડિયા કંપની ‘ડિપિક્શન મિડિયા’ના નેજા હેઠળ હોલિવૂડમાં આધુનિક ચિત્રકાર સાલ્વાદોર દાલીના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કર્યું- ‘દાલિલેન્ડ,’ જેમાં સાલ્વાદોર દાલીની ભૂમિકા ભજવી છે બેન કિંગ્સલેએ.

ચંદુભાઈનો ગુજરાતી રંગભૂમિ પર પ્રવેશ થયો ૧૯૮૦માં પીટર શેફરના ‘ઈક્વસ’ પર આધારિત કાબરો નાટક સાથે. ‘કાબરો’ના દિગ્દર્શક હતા સ્વર્ગસ્થ મહેન્દ્ર જોશી. નાટ્યલેખક અને નાટ્યગીતકાર તરીકે એ પછી એમણે ‘ખેલૈયા,’ ‘એક હતી રૂપલી,’ ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ તથા ‘માસ્ટર ફૂલમણિ’ જેવાં નાટક આપ્યાં. ઉલ્લેખનીય છે કે ‘ચિત્રલેખા’ના ૨૦૦૮ના દિવાળી અંકમાં એમણે ‘સદગતિ’ શીર્ષક હેઠળ સરસ મજાનું નાટક લખેલું. એમના બે કાવ્યસંગ્રહ – ‘અને થોડાં સપનાં’ તથા ‘બ્લુ જીન્સ’ પ્રકાશિત થયા છે.

અંતે, ચંદુભાઈના અતિપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ બ્લુ જીન્સની વાત. કટાવ માત્રામેળ છંદના આવર્તનમાં લખાયેલાં આ સંગ્રહનાં મોટા ભાગનાં ગીતમાં અમેરિકામાં જિવાતા જીવનની વાતો છે. માદરે વતનથી હજારો માઇલ દૂર જઈ વસેલા ગુજરાતીઓની રૂટ્સની ખોજ, એકલતા, કરુણતા… આપણે રોજબરોજના જીવનમાં જે જીન્સ પહેરીએ છીએ અને આપણું જિવાતું જીવન- આ બેની સરખામણી કરતી આ અદભુત રચનાઓમાંની એક એટલે: પ્રસ્તાવના એ કે જન્મ્યા એટલે shrink થવાના wrinkle ઢગલાબંધ પડવાની અને અંતમાં fade થવાનું…

 (કેતન મિસ્ત્રી, મુંબઈ) 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular