Wednesday, July 30, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં હીટ વેવની આગાહી વચ્ચે જળસંકટનાં એંધાણ

રાજ્યમાં હીટ વેવની આગાહી વચ્ચે જળસંકટનાં એંધાણ

અમદાવાદઃ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે, ત્યારે બીજી બાજુ રાજ્યમાં જળસંકટ ઘેરું બની રહ્યું છે. રાજ્યનાં 207 ડેમોમાં 50 ટકાથી પણ ઓછા પાણીનો સંગ્રહ છે.

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં  10 વર્ષનું સર્વાધિક 44.2 સે.તાપમાન નોંધાયું હતું તો ભૂજમાં ત્રણ વર્ષનું સૌથી વધુ તાપમાન 43.2 સે. નોંધાયું હતું.  રાજ્યમાં હજુ બે દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતની જગ્યાએ અંગ દઝાડતી ગરમી પડશે. ગરમીનું મોજું યથાવત્ રહેવાની વકી સાથે હવામાન વિભાગનું કહેવું છે કે  રાજ્યાના કેટલાક ભાગોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી રહેશે.

અમદાવાદ સહિત રાજ્યમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે બુધવારે પણ આકાશમાંથી અગનવર્ષા થતાં ગુજરાત ભઠ્ઠી બન્યું હતું. સતત પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા હતા.

બીજી બાજુ, રાજ્યમાં આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળ સંકટ ઘેરું બનવાનાં એંધાણ છે. ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં તો માત્ર 15 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આ સિવાય કચ્છના 20 ડેમોમાં 20 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 37 ટકા પાણી છે. જ્યારે રાજ્યના અન્ય 50 ટકા ડેમોમાં 10 ટકા કરતાં ઓછા પાણીનો જથ્થો છે.

બનાસકાંઠાના 11 ગામોમાં હાલ ટેન્કરોથી પાણી મગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કચ્છના અબડાસા, લખપત, રાપર અને બન્નીમાં પણ ટેન્કરોથી કામ ચાલી રહ્યું છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular