Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં મહાપાલિકાએ ચાની કિટલીઓ બંધ કરાવી: વિપક્ષ કોંગ્રેસ મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે

અમદાવાદમાં મહાપાલિકાએ ચાની કિટલીઓ બંધ કરાવી: વિપક્ષ કોંગ્રેસ મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે

અમદાવાદઃ અમદાવાદીઓ ઘરેથી ચા પીને નીકળ્યા હોય તે છતાં રસ્તા પર ચાની કિટલીએ (ચાના સ્ટોલ કે લારી પર) ઊભીને અડધી ચા પીએ નહીં ત્યાં સુધી તેમને ચા પીધાનો સંતોષ ન થાય. આ સિવાય પણ ઓફિસ પાસે હોય કે ભાઇબંધ-દોસ્તાર મળે ત્યારે અમદાવાદમાં ચા ચોરે અને ચૌટે પીવાય છે. અમદાવાદીઓ વ્યસ્ત સમયમાંથી પણ થોડોક સમય તો ચાની કિટલીએ ફાળવી જ દેતા હોય છે. જોકે હાલ કોરોનાને ધ્યાનમાં લેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેના નિયમોની અવગણના કરવા બદલ રસ્તા પર ચાના તમામ સ્ટોલ્સ બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

કોરોના કેસોમાં સતત વધારો

શહેરમાં કોરોના સંક્રમણ અટકી ગયા બાદ ફરીથી પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત 150થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જેથી ચાની કિટલીઓ પર તવાઈ કરવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણ વધતા AMC કામે લાગી

શહેરમાં કોરોના સંક્રમણ વધતા AMC કામે લાગી ગઈ છે. શહેરની ચાની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યો છે. વહેલી સવારથી જ કિટલીઓ બંધ આવી આવી રહી છે. જે ચાની કિટલીઓ પર ભીડ એકઠી થાય અને જ્યાં સામાજિક અંતરની જાળવણી ન થતી હોય તેવી જગ્યાઓને બંધ કરાવવામાં આવી રહી છે. શહેરના તમામ ઝોનમાં ચાની કિટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે.

AMCના અધિકારીએ કહ્યું હતું કે ચાની કિટલીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થતું હોવાથી અને ગ્રાહકો માસ્ક ના પહેરતા હોવાથી ચાની કિટલીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લારી-ગલ્લા લડત સમિતિના પ્રમુખ અશોક પંજાબીએ કહ્યું હતું કે સમાચાર મળ્યા પછી મેં ચા વેચતા તમામ વિક્રેતાઓને થોડો સમય દુકાનો બંધ રાખવા જણાવ્યું છે.

જોકે શહેરમાં ચાની કિટલીઓ બંધ કરાવવાને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. પૂર્વ મેયર અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ચાની કિટલીઓ તાત્કાલિક શરૂ કરવા માગ કરી છે. તેમણે કહ્યું કે ચાની કિટલીઓ શરૂ નહીં થાય તો વિધાનસભામાં કોંગ્રેસ મુદ્દો ઉઠાવશે. AMCના નિર્ણયથી પૂર્વ મેયર હિમંતસિંહ પટેલે નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ચાની કિટલીઓ બંધ કરાવવાથી કહી જ નહીં વળે, કોરોના રોગચાળામાં ભાજપના તાયફાઓ ક્યારે બંધ થશે?

મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ નોંધાવ્યો વિરોધ

શહેરમાં સામાજિક અંતરના અભાવના નામે મનપા દ્વારા ચાની કિટલીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ શાસક પક્ષ પર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. દિનેશ શર્માએ કહ્યું કે મનપાના અધિકારીઓ બેવડાં ધોરણો અપનાવે છે. રાજકીય કાર્યક્રમો પર મીઠી નજર રાખે છે જ્યારે રોજીરોટી કમાવનારા લોકો પાસેથી સામાજિક અંતરના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular