Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratકોરોના પોઝિટિવ પરિવારજનોની વહારે આવ્યું અમદાવાદ મહાનગરપાલિકા

કોરોના પોઝિટિવ પરિવારજનોની વહારે આવ્યું અમદાવાદ મહાનગરપાલિકા

અમદાવાદ: “સાહેબ હું એસ. વી. પી દવાખાનામાં સારવાર હેઠળ છું. મારા પરિવારમાં ચાર વ્યક્તિઓ છે. મારી સાડા ત્રણ વર્ષની દીકરી માટે દૂધ અને પત્ની અને પિતા માટે ભોજન અને રાશનની ખૂબ તાતી જરૂરિયાત છે. તેઓ બહાર નીકળી શકતા નથી. જેથી મારા પરિવારને ઝડપથી મદદ મળી રહે એવું કરવા નમ્ર અરજ છે.” આ શબ્દો છે દાણીલીમડાના અને કોરોના પોઝિટિવ ધરાવનાર દર્દીના. જેમના પરિવારને ૧૬ એપ્રિલથી હોમ કવોરન્ટાઈન હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

અત્યારે દાણીલીમડા વિસ્તારમાં કરફ્યુ હોવાથી કોણ કોને મદદ કરે એ પણ વિચાર માંગી લે એવો સવાલ છે.
હોમ કવોરન્ટાઈન હેઠળ રહેલા એક પરિવારના મોભીની તબિયત અચાનક બગડતા તેમનો રિપોર્ટ કરતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડતા તાત્કાલીક શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમના પરિવારમાં તેમના પત્ની ,પિતા અને સાડા ત્રણ વર્ષની દીકરી હજી પણ હોમ કવોરન્ટાઈન હેઠળ હોવાથી તેઓ ક્યાંય બહાર નીકળી શકે તેમ નહોતા.ઘરના મોભી જ જ્યારે સારવાર હેઠળ હોય ત્યારે પરિવારની ચિંતા તેમને સતત કોરી ખાતી હતી. ઘરમાં જરૂરી ખાદ્યસામગ્રી અને ભોજન ખૂટી પડતાં તેમણે દવાખાનામાં રહીને જ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે અમદાવાદમાં ભોજનની સુવિધા ઝડપથી પહોંચાડનાર કોઈ વ્યક્તિ, સંસ્થા કે તંત્રની સગવડતા જો મળે તો તેઓના પરિવારને ભોજન ઉપલબ્ધ થાય.

દવાખાનામાં રહીને કોરોના જેવી ગંભીર બીમારી સામે લડત આપતા આ ભાઈની મહેનત સફળ રહી અને તેમને અમદાવાદના પશ્ચિમના સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી દ્વારા ચાલતી કોરોના વાયરસ ભોજન હેલ્પલાઇનની વિગતો મળી. મોબાઈલ નંબર 9898085043 પર તેમણે ફોન જોડ્યો અને ઉપરોક્ત તમામ વિગતો જણાવી.
આવેલ ફોનની બધી વિગતો મેળવી ભોજન હેલ્પલાઇનનું સંચાલન કરનારે રાજ્યના મુખ્યમંત્રીના અંગત સચિવ  અશ્વિનીકુમારને તમામ વિગતોથી વાકેફ કર્યા અને સંવેદનશીલ વહીવટીતંત્રની પાંખે ત્વરિતપણે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને આ માહિતી પહોંચાડી.

સંવેદનાસભર તંત્રની ટીમે ક્ષણનોય વિલંબ કર્યા વિના દાણીલીમડા સ્થિત મયુરપાર્ક સોસાયટી ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીના ઘરે જઈને તેમના પત્નીને જરૂરી ખાદ્યસામગ્રીની કીટ, બાળક માટે દુધના પાઉચ પૂરા પાડ્યા અને તંત્ર તમારા પરિવારની સાથે હંમેશા ખડેપગે રહેશે એવો સધિયારો આપ્યો. વૈશ્વિક મહામારીના આ કપરા સંજોગોમાં સંવેદનશીલ સરકારના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓની સમગ્ર ટીમ રાત-દિવસ લોકોની સાથે છે એવું ફરી એકવાર પુરવાર થયું છે.

(મનીષા પ્રધાન)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular