Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratના હોય! AMC 90 વર્ષ જૂની વી.એસ. હોસ્પિટલ બંધ કરશે ?

ના હોય! AMC 90 વર્ષ જૂની વી.એસ. હોસ્પિટલ બંધ કરશે ?

અમદાવાદની નવ દાયકા જૂની વાડીલાલ સારાભાઈ (વી.એસ)હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ધારા જુદા સ્થળે ખસેડવાની તૈયારી ચાલી રહી છે. એટલે કે અમ્યુકો. હાલ આ ઐતિહાસિક હોસ્પિટલને કમીયુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં રૂપાંતરિત કરવાની તજવીજમાં છે.

નેવું વર્ષ જૂની 13મી ડિસેમ્બર, 1931ના રોજ શરૂ થયેલી આ હોસ્પિટલ હવે તેના મૂળ ધ્યેયથી વિમુખ થતી દેખાય છે, અને એ સંકેતો મળી રહ્યા છે કે તેને શહેરી વિસ્તારથી દૂર ખસેડવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, એસ.વી.પી. હોસ્પિટલ શરૂ થયા બાદ, મોટાભાગની જટિલ સર્જરી હવે ત્યાં કરવામાં આવે છે, અને વી.એસ. હોસ્પિટલમાં માત્ર ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક, અને ઓપીડી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી રહી છે. અત્યારે વી.એસ.માં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાથી, મહત્વની સેવાઓ જેમ કે સિટી સ્કેન અને સોનોગ્રાફી પણ બંધ કરવામાં આવી છે.

નોંધનીય વાત એ છે કે, વી.એસ. હોસ્પિટલના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દર્દીઓની સારવાર માટેના ખર્ચના નાણાં અમ્યુકો આપશે, તેમ છતાં કેટલીક સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ચૂંટેલા પ્રતિનિધિઓ અને અમ્યુકોના સત્તાવાળાઓ હવે તેને કમીયુનિટી હેલ્થ સેન્ટર તરીકે ચલાવવા મથામણ કરી રહ્યા છે, કારણ કે હોસ્પિટલને સંપૂર્ણ રીતે બંધ કરી શકાતી નથી. એક સમય હતો જ્યારે અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ તાલીમ મેળવી સેંકડો ડૉક્ટર્સ તૈયાર થતા હતા, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે દર્દીઓની અછતના કારણે તાલીમ પણ પુરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી.

ઉપરાંત વી.એસ. હોસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટના નિવૃત્ત થયા બાદ નવી નિમણૂક કરવામાં આવી નથી,  279થી વધુ જગ્યા ખાલી પડી છે. સ્ટાફની ખાલી જગ્યાઓમાં ડેપ્યુટી ડાયરેક્ટર, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, આયા, અને વોર્ડ બોયની જગ્યાઓનો સમાવેશ થાય છે, જેમાં કોઈ નવી ભરતી થઈ રહી નથી.

હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા 2014-15માં 6.29 લાખ હતી, જે 2023-24માં ઘટાડીને 2.87 લાખ થઈ ગઈ છે. આ સાથે, ગ્રાન્ટમાં પણ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હોસ્પિટલની કામગીરી પર ગાઢ અસર પડી રહી છે. તો બીજી બાજુ અમ્યુકોના આ નિર્ણયોથી નારાજ થઈને, ટ્રસ્ટી મંડળના સભ્યો અને દાનદાતાના વંશજોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે મેડિકલ કાઉન્સિલમાં હજી પણ વી.એસ.નું જ નામ છે, અને એસવીપી હોસ્પિટલના ડૉક્ટર્સને પગાર પણ વી.એસ.ના ફંડમાંથી જ આપવામાં આવી રહ્યા છે.

આ તમામ મુદ્દાઓથી હોસ્પિટલના ભવિષ્ય પર સવાલ ઉભા થઈ રહ્યા છે, અને લોકોની લાગણી છે કે આ ઐતિહાસિક હોસ્પિટલને બચાવવા તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular