Sunday, July 13, 2025
Google search engine
HomeNewsGujaratAMA ખાતે 'માંગા હોકુસાઈ માંગા આર્ટ શો'

AMA ખાતે ‘માંગા હોકુસાઈ માંગા આર્ટ શો’

અમદાવાદઃ જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે અને માંગા એટલે કે કાર્ટૂન, ઉકિયો-ઇ ક્લાસિક પેઇન્ટિંગ્સ અને પુસ્તક દ્વારા જાપાનની શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)નાં જાપાન ઇન્ફર્મેશન અને સ્ટડી સેન્ટર દ્વારા મુંબઈ ખાતેનાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલના સહયોગથી આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈમાં યોજાયું હતું. આ પ્રદર્શન “માંગા હોકુસાઈ માંગા આર્ટ શો” તરીકે જાણીતું છે જેમાં ગ્રાન્ડ માસ્ટર હોકુસાઈનું ઉત્કૃષ્ટ માંગા કલાકારોના સમકાલીન સર્જન સાથે ઉકિયો-ઈ ક્લાસિક્સનું પ્રદર્શન સામેલ છે. આ પ્રદર્શનનું ઉદઘાટન ૨૦મી જાન્યુઆરીએ સાંજે ૪:૦૦ કલાકે જાણીતા કલાકાર અમિત અંબાલાલ અને તોશિહિરો કાનેકો, ચીફ કોન્સલ, મુંબઈમાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલ દ્વારા કરાશે.

આ પ્રદર્શન ઉકિયો-ઈ આર્ટિસ્ટ કાત્સુશિકા હોકુસાઈ (૧૭૬૦-૧૮૪૯)ના ચિત્રોનો સંગ્રહ એટલે કે “હોકુસાઈ માંગા” અને આધુનિક જાપાનીઝ માંગા કે જે હવે વિશ્વવ્યાપી લોકપ્રિયતાનો આનંદ માણે છે તેમની વચ્ચેની કેટલીક સમાનતાઓ અને તફાવતો રજૂ કરે છે અને તે મારફતે જાપાની સંસ્કૃતિનાં અનોખાં ક્ષેત્રનો પરિચય કરાવે છે. આ પ્રદર્શન જુદા જુદા સમયગાળાના “માંગા”ની સચિત્ર વાર્તા કહેવાની અને સહભાગી સંસ્કૃતિ પર કેન્દ્રિત છે. આ પ્રદર્શનમાં પેનલો, પુસ્તકો, વિડિયો અને સમકાલીન માંગા કલાકારોની નવી કૃતિઓનો સમાવેશ થાય છે.

જાપાનીઝ માંગા એ ચિત્રાત્મક વાર્તા કહેવાની કળા છે કે જે જાપાનમાં વર્ષોથી વિકસિત થઈ છે. માંગા કલાના મૂળ પ્રાચીન જાપાની કલામાં રહેલ છે. માંગા શબ્દનો ઉપયોગ જાપાનમાં કોમિક્સ અને કાર્ટૂનિંગ બંને માટે થાય છે. માંગાની ઉત્પત્તિ ૧૨મી સદીમાં થયેલી છે. આ પ્રદર્શનમાં જાપાનમાં માંગા ચળવળનો પાયો નાખનાર કલાકાર કાત્સુશિકા હોકુસાઈની ચિત્રકલા પણ પ્રદર્શિત કરવામાં આવી છે. કાત્સુશિકા હોકુસાઈ લોકપ્રિય રીતે “હોકુસાઈ”નાં હુલામણાં નામથી ઓળખાય છે કે જેઓ ઈડો સમયગાળાનાં જાપાની ઉકિયો-ઈ કલાકાર હતાં.

ઉકિયો-ઈ (Ukiyo-e) શબ્દનો અર્થ થાય છે ‘તરતી દુનિયાના ચિત્રો’. ઉકિયો-ઈ એ જાપાનમાં માંગા ચળવળનો પાયો નાખ્યો હતો. આ પરંપરાને માસ્ટર હોકુસાઈના “ધ ગ્રેટ વેવ ઑફ કાનાગાવા” અને કલાકાર હિરોશિગેના “ધ ફિફ્ટી થ્રી સ્ટેશન્સ ઑફ ધ ટોકાઈડો” દ્વારા અનુસરવામાં આવી હતી. માંગા નાજુક, તરંગી, રમુજી, અસ્પષ્ટ અને મનોરંજક બધું રજૂ કરે છે. તે વિશ્વમાં એક બહાદુર અને ક્રાંતિકારી કલાત્મક પ્રવેશને મોકળો કરે છે કે જે ક્ષણિકને કંઈક સ્થાયી, કાયમી અને કલાત્મકમાં પરિવર્તિત કરે છે.

આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં હોકુસાઈની કૃતિઓના ૧૫ વોલ્યુમ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને સાત સમકાલીન માંગા કલાકારો જેમણે હોકુસાઈના માંગાની પ્રેરણાત્મક લઈને કૃતિનું સર્જન કરેલ છે. સ્વ-સ્પષ્ટીકરણ પ્રદર્શન ચાર ભાગોમાં વહેંચાયેલું છે જે આપને માંગા અને હોકુસાઈના માંગાના ઇતિહાસમાં લઈ જાય છે.

આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ૨૧મી જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી દરરોજ બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular