Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં યોજાશે અખિલ ભારતીય વૈદિક સંમેલન

અમદાવાદમાં યોજાશે અખિલ ભારતીય વૈદિક સંમેલન

અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા SGVP દર્શનમ્ સંસ્થાનમાં ઓક્ટોબરની તારીખ 20થી 22 ત્રણ દિવસ અખિલ ભારતીય વૈદિક સંમેલનનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. દર્શનમ્ સંસ્કૃત સંસ્થા SGVPમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ સાથે સતત જુદા-જુદા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે. આ જ રીતે મહર્ષિ સાન્દીપનિ વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન પણ સંસ્કૃતના વૈદિક સંમેલન કરે છે. આ વર્ષે બેઉ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળીને અમદાવાદના આંગણે વૈદિક સંમેલનને ઐતિહાસિક બનાવશે.

અમદાવાદમાં આ વર્ષે જે સંમેલન યોજાશે એ વિશિષ્ટ છે. આ વિશે વેદાંતમાં પીએચડી થયેલા ચિંતન જોશી ચિત્રલેખા.કોમને કહે છે ઉજ્જૈનની આ સંસ્થા દર વર્ષે જે સ્થળ પર સંમેલન કરે છે ત્યાં મોટે ભાગે વેદો પર ચર્ચા જ થાય છે. જ્યારે SGVP આ વર્ષે અખિલ ભારતીય વૈદિક સંમેલનનું યજમાન તો છે જ..પરંતુ આ સંમેલનમાં ઘણા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે, જેમાં વૈદિક સેમિનાર, વૈદિક પારાયણ, પુસ્તકોના વિમોચન, વેદ કથાઓ પરથી તૈયાર કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદના એકદમ અલગ જ તારવેલા અસરકારક મંત્રો સાથે હોમ-આહુતિ-યજ્ઞ-આહવાન કરવામાં આવશે.

તેઓ વધુમાં કહે છે કે આ ઐતિહાસિક વૈદિક સંમેલનમાં 140 વૈદિક પંડિતો દ્વારા 10 વેદોની શાખાઓનું પારાયણ કરવામાં આવશે.વેદ સંદેશ યાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમ યજ્ઞોની સાથે વૈદિક વિદ્વાનો અને વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશમાંથી વેદોના જાણકાર વિદ્વાનો ઉપસ્થિત રહેશે.

અખિલ ભારતીય વૈદિક સંમેલન SGVP ના માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાશે. પ્રો.પ્રફુલ્લકુમાર મિશ્ર અને વિરુપાક્ષ જડ્ડિયાલ ઉજ્જૈનથી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મહર્ષિ સાંદિપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજૈન અને SGVP દર્શનમ્ સંસ્કૃત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સંમેલનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વૈદિક સંમેલનમાં વેદોમાં જ્ઞાન, વિજ્ઞાન, વેદોમાં મોક્ષ, વેદોમાં જ તમામ  ધર્મનું મૂળ રહેલું છે. એવી બાબતો વિદ્વાનો દ્વારા રજૂ કરવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular