Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઆકાશવાણી-દિલ્હીના જાણીતા ગુજરાતી સમાચારવાચક સવાઇલાલ અજમેરાનું અવસાન

આકાશવાણી-દિલ્હીના જાણીતા ગુજરાતી સમાચારવાચક સવાઇલાલ અજમેરાનું અવસાન

નવી દિલ્હી: આકાશવાણી દિલ્હીથી પ્રસારિત થતા ગુજરાતી સમાચારના જાણીતા ઉદ્ઘોષક સવાઇલાલ અજમેરાનું ૯૪ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું છે. લાંબું અને એકંદરે નિરોગી, સ્વસ્થ, પ્રસન્ન આયુષ્ય વિતાવી તેમણે આખરી શ્વાસ લીધા હતા. સાદગીપૂર્ણ સંયમી જીવન, માયાળુ સ્વભાવ તથા કર્મનિષ્ઠતા અને વ્યવહારમાં ચોકસાઈ, હિન્દીના આગ્રહી તરીકે બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા આદર્શ વ્યક્તિ તરીકે તેઓ જાણીતા હતા. તેમણે આકાશવાણી મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં લગભગ સાડા ચાર દાયકા ઉપરાંતની લાંબી સેવા આપી હતી.

અગાઉ ઉત્તરપ્રદેશ તથા દેશનાં ઉત્તરી રાજ્યોમાં છૂટક વેચાણની નાની-નાની કામગીરી કરીને પછી સિત્તેરના દાયકામાં હંગામી ધોરણે તેઓ આકાશવાણીમાં સમાચાર અનુવાદક અને વાચક તરીકે જોડાયા હતા. ઘણાં વર્ષ અનુબંધ મુજબ કામ કર્યા બાદ તેમને કાયમી કર્મચારી તરીકે નિયુક્ત કરાયા હતા. નેવુંના દાયકા મધ્યે સેવાનિવૃત્ત થયા પછી પણ તેમણે લગભગ અઢી દાયકા ઉપરાંત સુધી કેઝ્યુઅલ ન્યૂઝરીડર તરીકે સેવા ચાલુ રાખી હતી.

૨૦૧૭માં આકાશવાણી દિલ્હી ખાતેથી ગુજરાતી સમાચાર પ્રસારણ બંધ થયું અને એ વિભાગ અમદાવાદમાં સ્થળાંતર થયો ત્યાં સુધી તેઓ અનેક અનુવાદકો, સમાચાર વાચકો અને જરૂરિયાતમંદો માટે પ્રોત્સાહક તથા  માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા હતા. જૈફ ઉંમરે પણ તેઓ કોઈપણ સર્જનાત્મક કામ કરવા ઉત્સુક રહેતા. તેમણે સ્વચ્છતા વિશેની એક એડફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. સુદીર્ઘ સેવા બદલ આકાશવાણીના અમૃત મહોત્સવ અવસરે એમનું શાલ તેમ જ પ્રતીકચિન્હ ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સવાઇલાલ અજમેરા આકાશવાણી રાષ્ટ્રીય ગુજરાતી સમાચારના ઇતિહાસમાં એક જાણીતા ઉદ્ઘોષક તરીકે યાદગાર રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular