Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવામાં પરંપરાગત માધ્યમના કલાકારો માટે યોજાયો વર્કશોપ

અમદાવામાં પરંપરાગત માધ્યમના કલાકારો માટે યોજાયો વર્કશોપ

અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારો માટે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ઉપસ્થિત કલાકારોને સરકારી યોજનાઓની માહિતીથી વાકેફ કરવા ખાસ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, ICDSના પૂર્ણા કન્સલ્ટન્ટ જવનીકાબેન પટેલ, આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેકટર કેતન ચૌહાણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.શૈલેષ પરમારે ઉપસ્થિત કલાકારોને આરોગ્ય સબંધિત યોજનાઓના ફાયદાઓ સમજાવી છેવાડાના લોકો સુધી લાભ પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોની કેવી રીતે દરકાર કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપી હતી. વધુમાં કહ્યું કે, રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે. આજે અનેક પરિવારોને આયુષ્માન યોજના થકી મફત અને સારી સારવાર લઈ રહ્યા છે. ટી.બી. અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે કે, દેશમાંથી ટી.બી. સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને તેના માટે આરોગ્ય વિભાગ પણ કાર્યરત છે. તેમણે કલાકારોને સૂચન સાથે અપીલ કરી હતી કે, આપના માધ્યમથી આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી યોજનાઓનો ગ્રામ્ય લેવલે પ્રચાર પ્રસાર થાય.

આ પ્રસંગે ICDSના પૂર્ણા કન્સલટન્ટ જવનીકાબેન પટેલે સૌપ્રથમ આ પ્રકારના આયોજન બદલ માહિતી વિભાગને અભિનંદન આપ્યા હતાં. તેમણે પોતાના વિભાગ દ્વારા બાળકો અને સગર્ભા માતાઓ માટે કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કુપોષિત બાળકો માટે તૈયાર કરવામાં આવતા આહાર વિશે પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં આંગણવાડીના બાળકો માટેના ભોજનમાં ગુણવતા બાબતે પણ વાત કરી હતી. જવનીકાબેન પટેલે ઉમેરતાં કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી સરકારની યોજનાઓ વિશે જાગૃતિ લાવવા પરંપરાગત કલાકારો શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે ઉપસ્થિત કલાકારોને ICDS વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી કેવી રીતે લોકો સુધી પહોંચાડવી તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેકટર કેતન ચૌહાણે કલાકારોને ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી અને સરકાર દ્વારા આપવામાં આવી સહાય વિશે વાકેફ કર્યા હતા. નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં પરંપરાગત માધ્યમોનો ખૂબ જ મહિમા હતો પરંતુ આજે પણ સોશિયલ મીડિયાના યુગમાં પણ આ માધ્યમો એટલા જ અસરકારક નીવડ્યા છે. આપના માધ્યમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચન સાથે અપીલ કરી હતી.

સહાયક માહિતી નિયામક હરીશ પરમારે કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોએ આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં પરંપરાગત માધ્યમના કલાકારો દ્વારા સામાજિક જાગૃતિના સંદેશ અર્થે સુંદર નાટક રજૂ કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત કલાકારોને વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે કામગીરીના ઓર્ડર ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ સહાયક માહિતી નિયામક રેસુંગ ચૌહાણે કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સહાયક માહિતી નિયામક હરીશ પરમાર, દિવ્યેશ વ્યાસ તથા સબ એડિટર શ્રી શ્રદ્ધા ટીકેશ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પરંપરાગત માધ્યમના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular