Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી: નિખિલ સવાણી

ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી: નિખિલ સવાણી

અમદાવાદઃ જેઅનયુ હિંસાને પગલે ગયા મંગળવારે શહેરના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી થઈ હતી જેમાં NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ નિખિલ સવાણીને એસવીપી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. આજે તેમને ડિસ્ચાર્જ કરાયા પછી હોસ્પિટલમાંથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને પત્રકાર પરિષદ કરીને પોતા સાથે બનેલી ઘટના મીડિયા સમક્ષ રજૂ કરીને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

સવાણીએ કહ્યું છે કે, મારા સહિત NSUIના કાર્યકરો પર હુમલા એ પૂર્વાયોજિત ષડયંત્રનો એક ભાગ હતો અને તેનો દોરીસંચાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કર્યો હતો. ખુદ પ્રદીપસિંહે તે વખતે પોતાની નજીક આવીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનું જણાવી સવાણીએ ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે.

નિખિલ સવાણીએ કહ્યું હતું કે, તે દિવસે જે થયું તે કાંઈ અચાનક વણસેલી વાત નહોતી. ABVPના નેતાઓ અને કાર્યકરોએ અગાઉથી જ ષડયંત્ર રચી રાખ્યું હતું કે કોને ટાર્ગેટ કરવા અને કોને પતાવી દેવા. હું રેલીમાં NSUIના કાર્યકરો સાથે હતો તે સમયે જ પ્રદીપસિંહ એકાએક મારા તરફ ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, તું જ નિખિલ છો ને… મેં હા પાડી એટલે તેમણે મારો કોલર પકડીને મારા માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હું લોહી નિતરતી હાલતમાં હતો અને કાંઈ સમજું તે પહેલાં જ પ્રદીપસિંહ અને સાગરીતો ખસી ગયા અને પછી મહિલાઓ મારા તરફ ધસી આવી હતી.

પોલીસની કામગીરી પર પણ પ્રહાર કરતા નિખિલે કહ્યું હતું કે, હું જ્યારે લોહી નિતરતી હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ મારી પાસે દોડી આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, કોઈ પણ ભોગે ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કાઢી નાંખવું પડશે. આ માટે તારે જે જોઈતું હોય તે અમે આપવા તૈયાર છીએ. તારે જે મદદ જોઈએ, જે ફેસિલિટી જોઈએ, રૂપિયા જોઈએ તો રૂપિયા બોલ… જે જોઈએ તે આપવા તૈયાર છીએ. પણ આ ફરિયાદમાંથી ગમે તે ભોગે આ બંનેના નામ કાઢવા જ પડશે.

સવાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા પર જ પ્રશ્નો થાય છે. એક તો પોલીસ તે સમયે ત્યાં હાજર હતી અને ABVPના ગુંડાઓ અમને મારી રહ્યા હતા ત્યાં સુધી પોલીસે કશું કર્યું નહોતું. જ્યારે NSUIના કાર્યકરોએ સ્વબચાવ કર્યો તો પોલીસ ઊલટાનું અમારી પર તૂટી પડી. હવે પોલીસ સરકારની સ્ક્રીપ્ટ મુજબ જ કામ કરે છે અને અમારી તો ફરિયાદ પણ લેતી નથી. કોઈની ફરિયાદ જ ન નોંધાય તે ક્યાંની લોકશાહી કહેવાય?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular