Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા હોમ-ક્વોરન્ટાઈન થયા

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા હોમ-ક્વોરન્ટાઈન થયા

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોનાને લઈને રાજ્યમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા આગામી 14 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. નેહરા સેલ્ફ-ક્વોરન્ટાઈન થતાં તેમના સ્થાને મેરિટાઈમ બોર્ડના સીઈઓ IAS મુકેશ કુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

વિજય નેહરાએ પોતે જ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એમણે જણાવ્યું છે કે, ‘મારી ફિલ્ડ વિઝીટ વખતે હું એવી બે વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો જે બાદમાં કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. ગાઈડલાઈન અનુસાર મારે પણ હવે 14 દિવસ સુધી ઘરમાં જ સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. કોરોના સામેની લડાઈમાં ફરીથી જલદી જોડાવા માટે હું રાહ જોઈ રહ્યો છું.’

વિજય નેહરાની મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કોવિડ-19 તેમજ આરોગ્યને લગતી તમામ કામગીરીઓનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂક રાજ્ય સરકારે કરી છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની કામગીરીઓની દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular