Friday, August 1, 2025
Google search engine
HomeNewsGujaratકોવિડ હોસ્પિટલમાં વોર્ડની બહાર ચાદરોના રંગ દર્શાવતા બોર્ડ કેમ?

કોવિડ હોસ્પિટલમાં વોર્ડની બહાર ચાદરોના રંગ દર્શાવતા બોર્ડ કેમ?

અમદાવાદ: સામાન્ય રીતે આપણા ઘરોમાં બેડ પરની બેડશીટ અઠવાડિયે કે પંદર દિવસે બદલાતી હશે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફક્ત કોરોના માટેની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની બેડશીટ દર રોજ બદલાય છે. ન માત્ર રોજ બદલાય છે, પરંતુ અઠવાડિયાના સાત વાર પ્રમાણે સાત કલર નક્કી કરવામાં આવ્યા છે, તે અનુસાર દરરોજ નવા -નવા કલર ની બેડશીટ દર્દીઓના બેડ પર પાથરવામાં આવે છે.

નાનપણમાં આપણે વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ‘જાનીવાલીપીનારા’ વિષે ભણ્યા હોઈશું. જેમાં “જા’ એટલે “જાંબલી’, ‘ની’ એટલે “નીલો’ વગેરે જેને પ્રકાશનું ઇન્દ્ર ધનુષ કહેવામાં આવે છે, પરંતુ સિવિલની કોરોના હોસ્પિટલમાં સાત વાર પ્રમાણે સાત રંગોના ઉપયોગ સાથે જાણે બેડ શીટનુ ઇન્દ્રધનુષ રચાય છે.

સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે જાંબલી, શનિવારે વાદળી અને રવિવારે રાખોડી કલરની બેડસીટ દર્દીઓના બેડ પર લગાવવામાં આવે છે. રંગોની આ રંગોળી વિશે કોવિડ હોસ્પિટલ ખાતે કાર્યરત આર.એમ.ઓ ડો.સંજય કાપડિયા કહે છે કે, કોરોનાના પોઝિટિવ દર્દીઓના બેડશીટના રંગો દરરોજ બદલાવાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તેમનામાં સકારાત્મકતાનો સંચાર થાય છે.

રોજે રોજ બેડશીટ બદલવાથી સ્વચ્છતા તો જળવાય જ છે, સાથે-સાથે દર્દીઓ પણ પોતાની વેદનાને ભૂલી એક તાજગીનો અનુભવ અને અહેસાસ કરે છે. દર્દીઓમાં સકારાત્મકતા વધવાના કારણે તેમની માનસિક સ્થિતિ સુધરે છે. જેથી તેમની આંતરિક રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો આવે છે. સાથે સાથે ક્યારેક સ્ટાફ દ્વારા કેટલાક કિસ્સામાં આળસના પગલે ચાદર ન બદલવા જેવી માનસિકતા પણ ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે જો એક જ કલરની ચાદર હોય તો તંત્રને પણ ખબર ન પડે કે આ ચાદર બદલાઈ છે કે નહીં એટલે જુદા જુદા રંગોની ચાદર હોવાના કારણે તમને તરત જ ખબર પડે કે આ ચાદર બદલવામાં આવી છે આ પણ એક મહત્વનું કારણ છે.

આમ, કોરોનાના દર્દીઓને દવા, દેખભાળ, માનસિક શાંતિ વગેરે ઉપલબ્ધ કરાવવા સાથે રંગોના વિજ્ઞાનને સમજી દર્દીઓને માનસિક શાંતિ મળે તેવા હકારાત્મક વાતાવરણનું સર્જન વોર્ડમાં રચાયું છે. કયા વારે કઈ બેડશીટ બદલવામાં આવશે તે અંગેની વિગત પણ વોર્ડ માં લગાવવામાં આવે છે. જેથી દર્દીઓને પણ ખ્યાલ રહે કે, આજે કઈ ચાદર અમારા બેડ પર લગાવવામાં આવનાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular