Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratદિવાસોને દિવસે પૂર્વજોને અનોખી રીતે યાદ કરતો સમાજ

દિવાસોને દિવસે પૂર્વજોને અનોખી રીતે યાદ કરતો સમાજ

અમદાવાદ: અષાઢ માસનો છેલ્લો દિવસ એટલે દિવાસો. દિવાસો એટલે દેવદિવાળી સુધી 100 દિવસમાં 100 પર્વનો વાસ છે. હિંદુ સંસ્કૃતિના હવેના છેલ્લા ત્રણેય માસ ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. ચોમાસાની સાથે જપ, તપ અને વ્રતનો મહિમા વધી જાય છે. ખાસ તો શિવજીની આરાધના કરવાનું મહત્ત્વ છે.

આ દિવસે જુદાં-જુદાં વ્રતોની સાથે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપે છે. એ સમાજ છે..દેવીપૂજક સમાજ.. દેવીપૂજક સમાજના કેટલાક સભ્યો દિવાસોના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અગત કે જે મૃત્યુ પામ્યાં છે, તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમ જ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઈ અર્પણ કરે છે.

આ સમાજના મહેન્દ્ર દંતાણી ચિત્રલેખા.કોમને કહે છે જેના પરિવારનો સદસ્ય સ્વર્ગસ્થ થાય અને અંતિમ વિધિ જે જગ્યા એ થઈ હોય ત્યાં તેમને ગમતી વસ્તુઓ લઈ જવામાં આવે છે. આ આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોનાં બેનર્સ તેમ જ સુવિચારો પણ પ્રદર્શિત કરે છે. અમદાવાદના નરોડામાં આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠા થઈને પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજે સૌ લોકોને  અભિનંદન પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેવીપૂજક સમાજના પૂર્વજોને યાદ કરવાના આ પ્રસંગે નરોડા ચામુંડા સ્મશાને સામાજિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ સમાજના સામૂહિક તહેવારમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular