Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી STEM ક્વિઝ-2.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ,...

ગુજરાત સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી STEM ક્વિઝ-2.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

  • દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ-2.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ
  • ગુજરાત સાયન્સ સિટી ખાતે આ ફિનાલેનું આયોજન કરાયું
  • ફિનાલેમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા
  • આ પ્રસંગે રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ-2.0 “The journey of new Generation” ની ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી નોંધાયેલા 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં આ ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ક્વીઝની ફાઈનલમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર અને ગોવાની ટીમ આવી હતી. જ્યારે બીજા નંબરે વડોદરા કોર્પોરેશનની ટીમ અને ત્રીજા નંબરે અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ આવી હતી. ફાઈનલમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વરદ હસ્તે ઈનામો એનાયત કર્યા હતા. સાથે સાથે તમામ વિજેતા વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી વિજય નેહરા, ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહુ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી. વદર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21મી સદી એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. અને ગુજરાતે તેમાં હરણફાળ ભરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત સાયન્સ સિટીમાં આવેલા પ્રકલ્પોમાં વિજ્ઞાનને લગતાં જે કોઈ સવાલ છે એ તમામના જવાબો લોકોને મળી જાય છે. તેથી એકવાર ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લેવા તેમણે હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને અપીલ કરી હતી. સ્ટેમક્વિઝમાં કુલ 2 કરોડથી વધુ રકમના ઈનામો જુદી જુદી કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2022થી ગુજરાત સ્ટેમ ક્વીઝ-2.0 “ The journey of new Generation”ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 5,45, 764 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  પ્રથમ તાલુકા સ્તરે ત્યાર બાદ જિલ્લા સ્તરે અને પછી 9 મેથી 12 મે દરમિયાન રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે 30 મેના રોજ રાષ્ટ્રીય કક્ષાની ફાઈનલ ક્વિઝનું આયોજન કરાયું.

સ્ટેમ ક્વિઝની ફાઈનલમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જે જોઈને વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાના વિદ્યાર્થીઓને તેમની STEMની કારકિર્દીમાં સમૃદ્ધ થવાની તક આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત STEM-ક્વિઝ એ એક અનોખી શૈક્ષણિક આઉટરીચ પ્રવૃત્તિ છે જે શિક્ષણ, આનંદ અને સ્પર્ધાને જોડે છે. તેને અનૌપચારિક વિજ્ઞાન શિક્ષણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે તે સ્પર્ધાત્મક પણ છે, તે દરેક વિદ્યાર્થીના STEM શિક્ષણમાં નોંધપાત્ર શૈક્ષણિક મૂલ્ય પણ ઉમેરે છે. આ ક્વિઝ વધુ સમાવિષ્ટ છે, કારણ કે સમગ્ર રાજ્ય અને દેશના વિદ્યાર્થીઓ સ્થાન, બોર્ડ, શિક્ષણના માધ્યમ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ભાગ લઈ શકે છે. ગુજરાત STEM-ક્વિઝનું વિઝન વિદ્યાર્થીઓમાં STEM ઉત્સાહ તરફ પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. તે દેશના વિદ્યાર્થીઓમાં STEM પર ભાગીદારી, જ્ઞાન અને જાગૃતિમાં સુધારો કરે છે અને પ્રોત્સાહન આપે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular