Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujarat24 કલાકમાં 236 તાલુકામાં મેઘ મહેર, બોરસદ-વડોદરામાં સૌથી વધુ

24 કલાકમાં 236 તાલુકામાં મેઘ મહેર, બોરસદ-વડોદરામાં સૌથી વધુ

અમદાવાદ: રાજ્યમાં હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે. આ વખતે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાત તરફ આગળ વધી છે. અહીં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા 8 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ, ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ, તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular