Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારની લાલ આંખ, જાણો કોને-કોને કર્યા સસ્પેન્ડ!

ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારની લાલ આંખ, જાણો કોને-કોને કર્યા સસ્પેન્ડ!

ગાંધીનગર: ગુજરાતમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યના પુરવઠા વિભાગના મદદનીશ નિયામક ચંદ્રેશ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં ખેડા જિલ્લામાં થયેલી પુરવઠા વિભાગની રેડની માહિતી લીક કરી હતી. ગત 25મી ફેબ્રુઆરીના રોજ નડિયાદમાંથી લાભાર્થીઓનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. મોટાપાયે ગેરરીતિ થતી હોવાની બાતમીને આધારે પડાયેલા રાજ્ય પુરવઠા વિભાગના દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. કૌભાંડી કાઉન્સિલર સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલામાં ચંદ્રૈશ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હાલમાં રાજ્ય સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરવાની મુહિમ ચલાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ પર પગલાં લેવામાં આવી રહ્યાં છે.  હાલમાં સસ્પેન્ડ કરાયેલા કેટલાંક અધિકારીઓ વિશે વાત કરીએ તો,

રાજકોટ અગ્નિકાંડ મામલે 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે RMCએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સહિત રોહિત વિગોરા અને ઠેબાની એમ ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ અધિકારી પર ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આગની ઘટના બાદ ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચની SITએ ઇલેશ ખેરની ધરપકડ કરી હતી. 

રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત બે સિનિયર PIને પણ સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2000 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલિન ક્લેક્ટર સસ્પેન્ડ

અંદાજે 2000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સરકારે વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા. જે તે સમયે સુરત કલેક્ટરની જવાબદારી સંભાળતા આયુષ ઓકે કૌભાંડ કર્યું હોવાના આરોપ બાદ સરકારે આ કાર્યવાહી કરી હતી.

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે અપ્રમાણસર મિલકતનો આરોપ

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા 11.64 કરોડ રૂપિયાના અપ્રમાણસર મિલકતોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. લાંગાએ પોતાના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરીને સાણંદની રાઈસ મિલ, બોપલમાં જમીન અને મકાનોમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. આથી હાલમાં તેમના સામે કાર્યવાહી ચાલી રહી છે.

સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રારની કરાઈ હકાલપટ્ટી

ગત 28મી જૂનના રોજ સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરાઈ હતી. તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો હતો. મનોજ લોખંડે પર પહેલા લાંચ લેવાનો કેસ થયો હતો. ત્યાર બાદ હોદ્દાનો દૂરપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ થઈ છે.

સુરતના કામરેજમાં PI સસ્પેન્ડ કરાયા હતા

સુરતના કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજા સસ્પેન્ડ કરાયા હતા.  રાજ્ય પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે અંત્રોલી ગામથી કેમિકલ ચોરીનું કૌભાડ ઝડપી પાડ્યું હતું. તપાસમાં PI ઓમદેવસિંહ જાડેજાની બેદરકારી કરી હોવાનું સામે આવ્યુ હતુ.

AMCના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ કરાયા

ACBએ અપ્રમાણસર મિલકતના કેસમાં AMCના ઇન્દ્રપુરી વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરયા હતા. ACB દ્વારા સુનિલકુમાર રાણા સામે અપ્રમાણસર મિલકત અંતર્ગત કેસ નોંધીને તપાસ હાથ ધરી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular