Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratગેનીબેને સંસદમાં ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો

ગેનીબેને સંસદમાં ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો

બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને સંસદમાં એન્ટ્રી મેળવી છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લેવા માટેની રજૂઆત કરી હતી. લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં વકરી રહેલા ચાંદીપુરા વાયરસને જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ વાત કરી હતી.

લોકસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે. ગેનીબેને કહ્યું કે, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે.

આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકોને શિકાર બનાવી રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. તેને ગંભીરતાથી નોંધ નહીં લેવામાં આવે તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular