Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentબોલીવૂડ ડ્રગ્સ પ્રકરણમાં નામ ચમકતાં રકુલપ્રીત દિલ્હી હાઈકોર્ટમાં ગઈ

બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણમાં નામ ચમકતાં રકુલપ્રીત દિલ્હી હાઈકોર્ટમાં ગઈ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના પ્રકરણની તપાસમાં માદક દવાઓના સેવન અને ગેરકાયદેસર વેચાણનો એન્ગલ પણ બહાર આવ્યો છે અને તે વિશે કેન્દ્રીય એજન્સી NCB તપાસ કરી રહી છે. NCBએ અભિનેત્રી રીયા ચક્રવર્તીની ધરપકડ કર છે અને એની પૂછપરછ વખતે સહ-અભિનેત્રી રકુલપ્રીત સિંહનું નામ ચમક્યા બાદ ‘યારીયાં’, ‘ઐય્યારી’, ‘દે દે પ્યાર દે’ ફિલ્મોની અભિનેત્રી રકુલપ્રીત દિલ્હી હાઈકોર્ટમાં ગઈ છે. એણે કોર્ટને વિનંતી કરી છે કે ડ્રગ કેસમાં પ્રચારમાધ્યમોને પોતાનું નામ જોડતા કોર્ટ અટકાવે.

હાઈકોર્ટે રકુલપ્રીતની અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય, પ્રસાર ભારતી અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ મોકલી છે અને એમનો જવાબ માગ્યો છે.

કોર્ટે આદેશ આપ્યો છે કે કેસમાં સુનાવણી માટે 15 ઓક્ટોબરની તારીખ પહેલાં તેઓ નિર્ણય લે.

હાઈકોર્ટે કહ્યું છે કે તે આશા રાખે છે કે રીયા ચક્રવર્તી સાથે સંકળાયેલા કેસમાં રકુલપ્રીત સિંહ સંબંધિત અહેવાલો આપવામાં મિડિયા સંયમ રાખશે. એવી જ રીતે, કેબલ ટીવી નિયમો, પ્રોગ્રામ કોડ તથા અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરાશે.

રકુલપ્રીત સિંહે એની અરજીમાં એવો દાવો કર્યો છે કે રીયા ચક્રવર્તી પોતાનું એ નિવેદન પાછું લઈ ચૂકી છે, જેમાં એણે કથિતપણે પોતાનું નામ લીધું હતું. તે છતાં મિડિયામાં હજી પણ પોતાને આ કેસમાં જોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, એની સામે રકુલપ્રીતે વાંધો ઉઠાવ્યો છે.

રીયાની પૂછપરછ દરમિયાન રકુલપ્રીત સિંહ ઉપરાંત અન્ય અભિનેત્રી સારા અલી ખાન તથા સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર સિમોન ખંભાતાનું નામ પણ ચગ્યું હતું.

રકુલપ્રીત સિંહે એનાં વકીલ મારફત દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે પોતાની વિરુદ્ધ મિડિયા કવરેજ અટકાવવા માટે તે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયને આદેશ આપે.

રીયાએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હોવા છતાં પોતાની વિરુદ્ધ પ્રચાર ચાલુ રાખનાર ટીવી ચેનલનું રજિસ્ટ્રેશન પાછું ખેંચવાની પણ રકુલપ્રીતે કોર્ટને વિનંતી કરી છે.

કોર્ટે રકુલપ્રીતને કહ્યું છે કે તે કેન્દ્ર સરકાર અથવા બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીમાં ફરિયાદ નોંધાવે.

ત્યારે રકુલપ્રીતે કહ્યું કે આમાં કોઈ એક ટીવી ચેનલ નહીં, પણ અનેક ટીવી ચેનલો સોશિયલ મિડિયા પર પોતાની વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.

આ પ્રકારનું મિડિયા ટ્રાયલ બંધારણની કલમ 21 અંતર્ગત મારા અધિકારનું ઉલ્લંઘન કરે છે.

કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે જરૂર પડે તો મિડિયા ચેનલોને વચગાળાના આદેશો ઈસ્યૂ કરો. કોર્ટે પ્રચારમાધ્યમ ગૃહોને પણ આદેશ આપ્યો છે કે તેઓ સમાચાર પ્રસારિત કરવામાં સંયમ રાખે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular