Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentકોરોનાને કારણે લોકડાઉનઃ બોલીવૂડને 800 કરોડની ખોટ

કોરોનાને કારણે લોકડાઉનઃ બોલીવૂડને 800 કરોડની ખોટ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ આખા વિશ્વમાં જનજીવનને સ્થગિત કરી દીધું છે. એનાથી ભારત અને બોલીવૂડ પણ બાકાત નથી. તાજા અહેવાલ મુજબ, ભારતમાં COVID-19ના નોંધાયેલા કેસોની સંખ્યા વધીને 173 થઈ છે.

ભારતમાં આ રોગચાળો ફેલાય નહીં એટલા માટે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં થિયેટરો, શોપિંગ મોલ્સ તથા અન્ય જાહેર સ્થળોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફિલ્મી પ્રવૃત્તિઓ બંધ કરાવી દેવામાં આવી હોવાથી મનોરંજન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. નવી ફિલ્મોની રિલીઝ મુલતવી રાખવી પડી છે, અનેક ફિલ્મો તથા ટીવી સિરિયલોનું શૂટિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ શૂટિંગ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યા છે.

ફિલ્મ-ટીવી સિરિયલના નિર્માતાઓને ઘણી આર્થિક ખોટ સહન કરવી પડશે, પરંતુ સૌથી વધારે માઠી અસર રોજના પગાર પર જીવતા કામદારો, સ્પોટબોય, મેકઅપ આર્ટિસ્ટ્સ, જુનિયર આર્ટિસ્ટ્સ જેવા કોન્ટ્રાક્ટ પર રહેલા કામદારોને તત્કાળ માઠી અસર થશે.

અહેવાલો અનુસાર, હિન્દી ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલીવૂડને આ લોકડાઉનને કારણે રૂ. 800 કરોડની આર્થિક ખોટ જશે.

દેશભરમાં 3,500થી વધારે સ્ક્રીન્સને બંધ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, બિહાર અને પંજાબ રાજ્યોમાં પણ થિયેટરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપી દેવાયો છે.

ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાનું કહેવું છે કે ‘બાગી 3’ ફિલ્મના નિર્માતાઓને રૂ. 25-30 કરોડની ખોટ જઈ શકે છે. થિયેટરો બંધ થવાથી ‘અંગ્રેજી મિડિયમ’ ફિલ્મના બિઝનેસને પણ ફટકો પડશે.

અન્ય ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે, મનોરંજન ઉદ્યોગ પર આ કોરોના વાઈરસની મોટી અસર પડશે. ફિલ્મો હાલ રિલીઝ નહીં થાય અને નિર્માતાઓને બધી ફિલ્મી પ્રવૃત્તિઓને બંધ કરી દેવી પડી છે. એમને કરોડોની ખોટ જશે.

કોરોના વાઈરસને કારણે ‘બ્રહ્માસ્ત્ર’, ‘સૂર્યવંશી’ની રિલીઝ, ઉધમ સિંહ બાયોપિકનું શૂટિંગ અને જેમ્સ બોન્ડ સિરીઝની નવી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’, ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરયસ 9’ જેવી હોલીવૂડની ફિલ્મોની રિલીઝને મુલતવી રાખી દેવામાં આવી છે.

ટીવી ઉદ્યોગને 100 કરોડની ખોટ જશેઃ જમનાદાસ મજિઠીયા

રંગભૂમિ, ટીવી સિરિયલોના જાણીતા અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક જમનાદાસ મજિઠીયા (જે.ડી.)નું કહેવું છે કે કોરોના વાઈરસને કારણે પ્રવૃત્તિઓ બંધ કરી દેવાતાં ટીવી ઉદ્યોગને આશરે રૂ. 100 કરોડ જેટલી ખોટ જવાનો સંભવ છે. પરંતુ, અમારે ધંધા કરતાં સલામતીનું વધારે ધ્યાન રાખવાનું છે.

મુંબઈમાં કોરોનાને કારણે જેવું એક મરણ થયાનું જાહેર થયું કે તરત જ ગોરેગાંવ (ઈસ્ટ)સ્થિત ફિલ્મસિટીને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બધું બંધ કરી દેવાનું જણાવી દેવામાં આવ્યું હતું. મોટા ભાગના ટીવી શો અને સિરિયલોનું શૂટિંગ અહીં દરરોજ ચાલતું હોય છે. આ બધું ઓચિંતા નિર્ણયને પગલે હાલ ઠપ થઈ ગયું છે.

જેડી મજિઠીયા ટીવી એન્ડ વેબ ઓફ ધ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન પણ છે. એમણે કહ્યું કે ટીવી ઉદ્યોગને ખોટ જશે, પરંતુ તમામ પ્રવૃત્તિઓને કામચલાઉ બંધ રાખવાનો અમારો નિર્ણય જરૂરી છે. ઉદ્યોગમાંના કર્મચારીઓની સલામતીનું ધ્યાન રાખવું જ પડે. પરિસ્થિતિ જ્યારે નિયંત્રણમાં આવી જશે તે પછી નિર્માતાઓ કામકાજ ફરી શરૂ કરશે. લોકોના જાનને જોખમમાં મૂકી ન શકાય. દરેક જણની સલામતીને ધ્યાનમાં લઈને જ શૂટિંગ તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular