Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsEntertainmentમને થયેલા અન્યાય વિશે મેં રાજ્યપાલને વાકેફ કર્યાંઃ કંગના

મને થયેલા અન્યાય વિશે મેં રાજ્યપાલને વાકેફ કર્યાંઃ કંગના

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત આજે સાંજે દક્ષિણ મુંબઈમાં આવેલા રાજભવન ખાતે જઈને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી અને મહાનગરપાલિકા દ્વારા પોતાને કરાયેલા અન્યાય વિશે એમને વાકેફ કર્યાં હતાં. એ મુલાકાતમાં કંગના સાથે એની બહેન રંગોલી ચંદેલ પણ હતી.

ઉલ્લેખનીય છે કે, સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા કરાયેલી તપાસની ટીકા કર્યા બાદ કંગના અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક પાર્ટીઓમાંની એક શિવસેના તેની પર ઉકળી ઉઠી છે. શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ બાન્દ્રા (વેસ્ટ)માં આવેલા કંગનાનાં નિવાસસ્થાનની અંદર બનાવેલી ઓફિસ ‘ગેરકાયદેસર’ છે એમ કહીને જેસીબી મશીનો વડે તોડી પાડી છે. મહાપાલિકાના એ પગલાથી કંગના રોષે ભરાઈ છે અને એના સંદર્ભમાં આજે ગવર્નર કોશ્યારીને જઈને મળી હતી.

મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું કે મારી સાથે જે અન્યાયી વ્યવહાર કરવામાં આવ્યો છે એ વિશે મેં તેમને (રાજ્યપાલ કોશ્યારીને) જણાવ્યું છે. મને આશા છે કે મને ન્યાય મળશે જેથી તમામ નાગરિકો, ખાસ કરીને યુવા છોકરીઓને પ્રશાસનમાં વિશ્વાસ પ્રસ્થાપિત થશે. હું પોતાને ભાગ્યશાળી સમજું છું કે રાજ્યપાલ કોશ્યારીએ મને એમની પોતાની દીકરીની સમાન ગણીને મારી વાત ધ્યાનથી સાંભળી હતી.

દરમિયાન, કંગના સાથે ઉગ્ર શાબ્દિક યુદ્ધમાં ઉતરનાર શિવસેનાના નેતા સંજય રાઉતે આજે કહ્યું કે અમે હવે કંગના વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે. જેને જે કરવું હોય એ કરી લે. અમે સાંભળીશું, પણ બોલીશું નહીં, પરંતુ દરેક વાતની અમે નોંધ જરૂર લઈશું. અમે જોઈ રહ્યા છીએ કે કઈ રાજકીય પાર્ટી દેશ અને મહારાષ્ટ્ર વિશે શું વિચારે છે અને એમના વિચારો કેટલા ખરાબ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular