Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsEntertainmentગ્રેમીઝ-2022: ભારતનાં-સૂર ફાલ્ગુની શાહ, રિકી કેજ સમ્માનિત

ગ્રેમીઝ-2022: ભારતનાં-સૂર ફાલ્ગુની શાહ, રિકી કેજ સમ્માનિત

લોસ એન્જેલીસઃ ‘ગ્રેમી’ દુનિયાભરમાં સંગીતના વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાય છે. અમેરિકાના સંગીત ઉદ્યોગમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનારની કદરરૂપે રેકોર્ડિંગ એકેડેમી દ્વારા ‘ગ્રેમી’ એવોર્ડ આપવામાં આવે છે. ગઈ કાલે રાતે અમેરિકાના લાસ વિગાસમાં એમજીએમ ગ્રેન્ડ ગાર્ડન અરીના ખાતે 64મા વાર્ષિક ગ્રેમી-2022 એવોર્ડ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય અમેરિકન સંગીતકાર અને ગાયિકા ફાલ્ગુની શાહ, જે એમનાં સ્ટેજ નામ ફાલુ તરીકે જાણીતાં થયાં છે, એમને તેમનાં આલ્બમ ‘અ કલરફૂલ વર્લ્ડ’ માટે ‘બેસ્ટ ચિલ્ડ્રન્સ મ્યુઝિક’ આલ્બમનો એવોર્ડ આપીને  સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

ન્યૂયોર્કમાં રહેતાં ફાલ્ગુનીએ ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મના સંગીતમાં એ.આર. રેહમાન સાથે કામ કર્યું હતું. એમણે સંગીતની પ્રારંભિક તાલીમ મુંબઈમાં દંતકથાસમાન સારંગી અને કંઠ્યગાયક ઉસ્તાદ સુલતાન ખાન પાસેથી મેળવી હતી. એમણે જયપુર સંગીત પરંપરામાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં તેમજ ઠુમરીની બનારસ સ્ટાઈલમાંની તાલીમ કૌમુદી મુનશી પાસે અને સેમી ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ ઉદય મઝુમદાર પાસેથી મેળવી હતી. ફાલ્ગુની શાહ 2000ની સાલમાં અમેરિકા સ્થાયી થયાં હતાં અને ત્યાં તેઓ યો-યો મા, ફિલીપ ગ્લાસ, રિકી માર્ટિન, બ્લૂઝ ટ્રેવેલર, એ.આર. રેહમાન જેવા સંગીતકારો-ગાયકો સાથે સહયોગ કર્યો હતો.

એવોર્ડ સ્વીકારતાં ફાલ્ગુની શાહે કહ્યું હતું કે, ‘મને તો કલ્પના પણ નહોતી કે મારી માતા ભારતમાં જાણીતું જે હાલરડું (લોરી) ગાતી હતી એને અમેરિકામાંના માતા-પિતા પાસેથી આટલો બધો સરસ પ્રતિસાદ મળશે.’ ફાલ્ગુનીએ બાદમાં પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમણે કેપ્શનમાં લખ્યું છે: ‘આજના જાદુનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. ગ્રેમી પ્રીમિયર સમારોહના પ્રારંભિક ગીત માટે પરફોર્મ કરવાનું બહુમાન પ્રાપ્ત થયું અને ત્યારબાદ આ ટ્રોફી મળી, જે મને ‘અ કલરફૂલ વર્લ્ડ’ ગીતના સર્જનમાં સાથ આપનાર તમામ લોકોની વતી મળી છે. અમે સૌ આ અદ્દભુત સમ્માન બદલ રેકોર્ડિંગ એકેડેમીના નમ્ર આભારી છીએ.’

રિકી કેજને એમનાં મ્યુઝિક આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ‘બેસ્ટ ન્યૂ એજ’નો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. એમણે સ્ટેજ પર સૌને નમસ્કાર કરીને એવોર્ડ સ્વીકાર્યો હતો. રિકીના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’માં 9 ગીત અને 8 વિડિયો છે. આ આલબમમાં દુનિયાભરના કલાકારોને સામેલ કરાયા છે. હિમાલય પર્વતમાળાથી લઈને સ્પેનના જંગલો સુધી, દુનિયાના અનેક સુંદર સ્થળોનો પણ આમાં સમાવેશ કરાયો છે. એમણે બાદમાં સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે, ‘હું આ એવોર્ડ માટે આભારી છું મારી સાથે ઊભેલા આ દંતકથાસમાનનો (સ્ટીવર્ટ કોપલેન્ડ). આ મારો બીજો ગ્રેમી પુરસ્કાર છે. મને સહયોગ આપનાર, મને હાયર કરનાર અથવા મારું સંગીત સાંભળનાર તમામનો હું આભારી છું.’

ભારતીય મૂળના રિકી કેજનો જન્મ નોર્થ કેરોલીનામાં થયો હતો. પરંતુ 8 વર્ષની ઉંમરથી તેઓ બેંગલુરુમાં રહે છે. પંજાબ-મારવાડી પરિવારના રિકીએ બેંગલુરુમાં જ સ્કૂલ અને કોલેજનું શિક્ષણ મેળવ્યું હતું. બાદમાં, ઓક્સફર્ડ ડેન્ટલ કોલેજમાંથી ડિગ્રી હાંસલ કરી હતી. એમના પરિવારમાં મોટે ભાગે ડોક્ટરો છે. ડેન્ટલ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ રિકીએ એમના પરિવારને વિનંતી કરી હતી કે પોતે સંગીતની દુનિયામાં નસીબ અજમાવવા માગે છે. ઉસ્તાદ નુસરત ફતેલ અલી ખાન, પંડિત રવિશંકર અને પીટર ગેબ્રિયલ એમના પ્રેરણાસ્રોત છે. એમણે 3000થી વધારે કન્નડ ફિલ્મો માટે જિંગલ્સ બનાવ્યા છે. રિકીને 20 દેશોમાં 100થી વધારે એવોર્ડ મળી ચૂક્યા છે. એમને પહેલો ગ્રેમી એવોર્ડ 2015માં મળ્યો હતો. એમણે 2014માં વર્ષા ગૌડા સાથે લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular