Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentઆજકાલના ફિલ્મી ગીતો લાંબું ટકતાં નથીઃ ભાગ્યશ્રી

આજકાલના ફિલ્મી ગીતો લાંબું ટકતાં નથીઃ ભાગ્યશ્રી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ‘મુકમ્મલ’ શિર્ષકવાળા એક સંગીત વિડિયો સાથે કલાજગતમાં પુનરાગમન કર્યું છે. એણે હાલમાં જ પોતાનો આ નવો સંગીત વિડિયો પત્રકારો સમક્ષ લોન્ચ કર્યો હતો.

આ પ્રસંગે એણે કહ્યું કે, ‘આજકાલની ફિલ્મોના ગીતો બહુ ઓછા ચાલે છે, અને લોકોને યાદ પણ નથી રહેતા.’

આ મ્યુઝિક વિડિયોમાં અભિનય કરવા વિશેના સવાલના જવાબમાં ભાગ્યશ્રી પટવર્ધન-દાસાનીએ કહ્યું કે, ‘મને આ ગીત અને એનો કોન્સેપ્ટ બહુ ગમ્યો હતો. આ ગીત પહેલા પ્યાર વિશેનું છે અને મારી પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ પણ પહેલા પ્યાર વિશેની જ હતી. ક્યારેક એવો પ્યાર દરેક જણને એના ભૂતકાળ, બાળપણ અને એની જુવાનીના દિવસોની યાદ ફરી તાજી કરાવી દે છે.’

ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે, ‘આજકાલ ઘણા ગીતો બની રહ્યા છે, પણ જૂના ગીતો જેવા એ નથી હોતા. જૂના ગીતોની ધૂન અને શબ્દો આપણને આજે પણ યાદ હોય છે. આજકાલની ફિલ્મોમાં જે ગીતો હોય છે એ લોકોને યાદ રહેતા નથી એટલે લાંબો સમય સુધી ટકતા નથી.’

‘મુકમ્મલ’ સંગીત વિડિયોના ગીતમાં એક લાઈન છેઃ ‘મુકમ્મલ ના હુઈ ચાહત’ એ વિશે પૂછતાં, ભાગ્યશ્રીએ કહ્યું કે, ‘હિમાલય (એમના પતિ) મારો પહેલો પ્યાર હતા અને મેં એમની સાથે જ લગ્ન કર્યા. પરંતુ અમારી જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે અમે જુદા થઈ ગયા હતા. અમે લગભગ એક વર્ષ સુધી અલગ રહ્યા હતા. મને હજી પણ એ સમય યાદ આવે છે ત્યારે ડર લાગે છે. હું તો એ જ વિચારું છું કે હિમાલય જો મારી જિંદગીમાં આવ્યા ન હોત અને મારા લગ્ન કોઈ બીજા સાથે થયા હોત તો મારું શું થાત.’

‘મુકમ્મલ’ના ગીતને શૌર્ય મહેતા અને દીપા ઉદિત નારાયણે સ્વર આપ્યો છે. ગીત ઋષિ અજાને લખ્યું છે અને સંગીતકાર છે ડી.એચ. હારમોની તથા આરએમ એલિયન. ગીતને ભાગ્યશ્રી અને સંતોષ રમ્મીના મિજગર પર ફિલ્માવવામાં આવ્યું છે. ભાગ્યશ્રીએ કહ્યું કે, અમારું આ ગીત એવું છે કે સાંભળનારને એનું સંગીત, શબ્દો, ધૂન ગમશે અને યાદ રાખવા પણ ગમશે.

ઉલ્લેખનીય છે કે, 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાનની હિરોઈન બનેલી ભાગ્યશ્રીએ તેની નિર્દોષતા દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું હતું. એ તેની પહેલી જ ફિલ્મ હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. એ માટે ભાગ્યશ્રીને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular